જાફરાબાદમાં કુદરતી હાજતે ગયેલા યુવાન પર સિંહનો હુમલો
સૌરાષ્ટ્રના ગીર પંથકમાં સિંહો માનવ વસાહતમાં આવી જવાના બનાવો સામે આવતા રહે છે. ઘણી વખત સિંહો માનવ વસાહતમાં ઘુસીને માલધારીઓના પશુઓનું મારણ કરતા હોય અને ગામના લોકોની સામે જ મિજબાની માણતા હોય તેવા વીડિયો સામે આવી ચૂક્યા છે. સિંહ દ્વારા માનવ પર હુમલો કરવામાં આવ્યો હોવાના બનાવો પણ કેટલીક વખત સામે આવી ચૂક્યા છે, ત્યારે આવો જ વધુ એક કિસ્સો અમરેલીના જાફરાબાદમાંથી સામે આવ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, જીગર બારૈયા નામનો યુવક કુદરતી હાજતે જવા માટે જાફરાબાદના લાઈટ હાઉસ વિસ્તારમાં બાવળની કાંટ તરફ જઈ રહ્યો હતો. આ સમયે અચાનક સિંહે જીગર પર હુમલો કર્યો હતો. સિંહના હુમલામાં યુવકને કપાળ અને હાથના ભાગે ઈજા પહોંચી છે. આ ઘટના બાદ ઈજાગ્રસ્ત યુવકને સૌ પ્રથમ જાફરાબાદ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ સઘન સારવાર અર્થે રાજુલા ખસેડવામાં આવ્યો છે.
બીજી તરફ આ બનાવની જાણ થતાં વન વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. હાલ તો હુમલો કર્યા બાદ સિંહ ક્યા છે? તેનું લોકેશન મેળવવા માટે સ્કેનિંગ હાથ ધરવામાં આવ્યું છે.