લાલપુર પંથકમાં ત્રણ સ્થળે વીજળી ત્રાટકી: આધેડ-બાળક-ત્રણ પશુનાં મોત
ગોવાણા-ખડબામાં વીજળી પડવાથી 6 દાઝયા: તમામ સારવાર હેઠળ
જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં સોમવારે સાંજે ભારે ગાજવીજ સાથે પડેલા વરસાદમાં વીજળી નો કહેર જોવા મળ્યો હતો, અને વરસાદી વીજળીમાં બે માનવ જિંદગી હોમાઈ ગઈ હતી, જ્યારે અન્ય ત્રણ બળદોના મૃત્યુ નીપજ્યા હતા. ઉપરાંત છ વ્યક્તિઓ પણ વરસાદી વીજળીના કારણે દાઝી ગઈ છે. આ ઘટનાની વિગતો એવી છે કે જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં સોમવારે સાંજે 6.00 વાગ્યા બાદ ભારે કડાકા ભડાકા સાથે વરસાદ શરૂૂ થયો હતો આકાશમાં ભારે ગાજવીજ થઈ હતી, અને લાલપુર તાલુકાના ગજણા ગામના ખેડૂત આદમભાઈ જુમાભાઈ ની વાડીમાં ખેત મજૂરી કામ કરી રહેલા પરબતભાઈ દાનાભાઈ સોલંકી નામના 45 વર્ષના યુવાન તેમજ તેના સાળા ના દીકરા રવિ પુનાભાઈ વાઘેલા નામના સાત વર્ષના બાળક કે જે બંનેના વરસાદી વીજળી પડવાના કારણે અંતરિયાળ મૃત્યુ નીપજ્યા હતા. જે મામલે લાલપુર મામલતદારને જાણ થવાથી લાલપુર પોલીસને જાણકારી અપાય હતી અને લાલપુરના પોલીસ હેડ કોન્સ્ટેબલ અજયસિંહ જાડેજા બનાવના સ્થળે દોડી ગયા હતા અને બંનેના મૃતદેહો નો કરજો સંભાળી સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ ઉપરાંત લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં વરસાદી વીજળીના કારણે એકી સાથે પાંચ વ્યક્તિઓ દાજી હતી, અને તે તમામને લાલપુરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે તમામની હાલત સુધારા પર છે.આ ઉપરાંત લાલપુર તાલુકાના મોટા ખડબા ગામમાં પણ વરસાદી વીજળી પડવાના કારણે તુલસીબેન વસાવા નામની 16 વર્ષની તરુણી પણ વરસાદી વીજળીના કારણે દાઝી ગઈ હતી, અને તેણીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
વરસાદી વિજલી પશુઓ માટે પણ જોખમકારક બની હતી, અને લાલપુર તાલુકાના ગોવાણા ગામના રમેશભાઈ ભાદરકા નામના ખેડૂત ની વાડીમાં ભેંસ ઉપર વીજળી પડવાથી મૃત્યુ નીપજયું છે. ઉપરાંત મોટા ખડબા ગામના કિશોરભાઈ ડાંગરિયા નામના ખેડૂતની વાડીમાં પણ વરસાદી વીજળી પડવાથી એક બળદનું મોત થયું છે. તે જ રીતે લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં દલપતભાઈ નાથાભાઈ ની વાડીમાં પણ વરસાદી વીજળી પડવાથી એક બળદનું મૃત્યુ થયું છે.