લાલપુરના સેવકધૂણિયામાં વીજળી ત્રાટકી, બે યુવાન-ચાર ઘેટાંનાં મોત
બે શ્રમિક યુવાન દાઝી જતા સારવારમાં ખસેડાયા : કપડાં ધોવા સમયે બનેલો બનાવ, માલધારી પરિવારમા અરેરાટી
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સેવક ધુણિયા ગામમાં વરસાદી વીજળીએ બે માનવ જિંદગીનો ભીગ લીધો છે. નદી કાંઠે કપડાં ધોઇ રહેલા ચાર પરપ્રાંતીય શ્રમિકો પર એકાએક વરસાદી વીજળી પડતાં બે શ્રમિકોના અંતરિયાળ મૃત્યુ નીપજ્યા હતા, જયારે પહોંચી ગયા હોવાથી જામનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બનાવની જાણ થતાં લાલપુર મામલતદાર ની ટીમ તથા પોલીસ ટુકડી બનાવના સ્થળે દોડતી થઈ છે.
આ કરુણા જનક બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સેવક ધૂણીયા ગામમાં રહીને ખેત મજૂરી કામ કરતા મધ્યપ્રદેશના વતની એવા ચાર શ્રમિકો પૈકી કરણ જ્ઞાનસિંગ ડાવર (30 વર્ષ) તેમજ ભુરસિંગ વાસકેલા (ઉંમર વર્ષ 35) કે જેઓ સેવક ધુણિયા ગામની નદીના કાંઠે ચાલુ વરસાદે કપડા ધોઇ રહ્યા હતા, તે દરમિયાન બપોરે 2.00 વાગ્યા ના અરસામાં તેઓ ઉપર એકાએક વરસાદી વીજળી પડવાના કારણે બનાવના સ્થળે જ ભડથું થઈ ગયા હતા, અને બન્નેના કરુણ મૃત્યુ નીપજ્યા હતા.
આ ઉપરાંત તેની સાથે જ કપડા ધોઈ રહેલા અન્ય બે શ્રમિકો ગોપાલ ડાવર (ઉ.વ.30) તેમજ મહેતાબ ડાવર ( ઉ.વ.36) આકાશી વીજળી ના કારણે દાઝી ગયા હોવાથી બંનેને 108 નંબર એંબ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બંનેની સારવાર ચાલી રહી છે. આ બનાવની જાણ થતાં સૌપ્રથમ લાલપુરના મામલતદાર એન.આર. મકવાણા અને તેઓની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. તેઓએ પોલીસની મદદ લેતાં લાલપુરના પીએસઆઇ એસ.પી. ગોહિલ અને તેઓની ટુકડી પણ સેવક ધુણિયા ગામે દોડી ગઈ હતી. ઉપરાંત બે પર પ્રાંતીય શ્રમિકો કે જેઓના મૃત્યુ થયા હતા, જે મૃતદેહોને લાલપુર ની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા બાદ પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું. જયાં પોલીસ દ્વારા પંચનામુ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી.