જિંંદગી ખરાબ સપના જેવી હતી, બે વાર આપઘાતનો પ્રયાસ કર્યો, આજે છેલ્લો પ્રયાસ
પાણીની ટાંકીમાં પડી આત્મહત્યાનો પ્રયાસ કર્યો પછી ગળાફાંસો ખાઈ લીધો
ગોંડલના યુવકે આપઘાત પહેલા લખેલી સ્યુસાઈડ નોટમાં ઠાલવ્યો વલોપાત
ગોંડલની પરીમલ સોસાયટીમાં રહેતાં 20 વર્ષના ધ્યેય હેમલ રાદડિયાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. આપઘાત પૂર્વે ધ્યેયે લખેલી સ્યુસાઈડ નોટ મળી હતી. જેમાં તેણે જિંદગી ખરાબ સપના જેવી થઈ ગઈ હોય જીવવા માટે મરવા કરતાં વધુ હિમત જોઈએ તેવો ઉલ્લેખ કર્યો છે.
સુસાઇડ નોટમાં ધ્યેયે જણાવ્યું કે, આ તેનો આત્મહત્યાનો ત્રીજો પ્રયાસ હતો. 13 વર્ષની ઉંમરે તેણે બેવાર પ્રયાસ કર્યા હતા. તેણે સુસાઇડ નોટમાં લખ્યું કે, તેની જિંદગી ખરાબ સપના જેવી હતી. તે જીવવાની આશા ગુમાવી ચૂક્યો હતો. આત્મહત્યા પહેલાં તેણે પાણીની ટાંકીમાં પડીને મરવાનો પ્રયાસ કર્યો હતો. તે નિષ્ફળ જતાં તેણે ભીના કપડે જ પહેલા માળે આવેલા રૂૂમમાં જઈને દોરી વડે ગળેફાંસો ખાધો હતો.
મૃતક ધ્યેયે અંગ્રેજીમાં લખેલી સુસાઇડ નોટમાં પોતાની પીડા વ્યક્ત કરી હતી. તેણે લખ્યું હતું કે, જીવનનો આ છેલ્લો પ્રયાસ કરી રહ્યો છું. જ્યારે હું આ પત્ર લખી રહ્યો છું, ત્યારે માત્ર 2 શક્યતા છે. થાય તો ઠીક છે, બાકી આરામ કરીશ અથવા હંમેશા માટે શાંતિથી સૂઈ જઈશ. તમે આ પત્ર વાંચી રહ્યા છો ત્યાં સુધીમાં હું બહુ દૂર પહોંચી ગયો હોઈશ.
નોટમાં તેણે વધુમાં જણાવ્યું હતું કે મરવાનો આ મારો ત્રીજો પ્રયાસ છે. 8 વર્ષ પહેલા પણ મેં 2 પ્રયાસ કર્યા હતા, ત્યારે હું 13 વર્ષનો હતો. ત્યારથી મારી જિંદગી એક ખરાબ સપના જેવી હતી. હું કોઈ બિઝનેસમાં ફેલ થયો નથી, મુખ્ય કારણ જીવવાની આશા ગુમાવી દીધી છે. તમે ગમે તે કરશો તમારું કર્મ જેવું હશે તેવું તમને મળશે. મેં કોઈનું કાંઈ ખોટું કર્યું નથી, તો મારી સાથે આવું શું થાય છે.
બીજા પેજમાં તેણે પ્રશ્ન કર્યો હતો કે શું ખરેખર મારે મરવું છે? કોઈ આત્મહત્યા એટલા માટે નથી કરતું કે તેઓ મરવા માંગે છે, તો હું શા માટે કરું છું? કારણ કે હું પીડા રોકવા માંગુ છું. હું પણ બીજાની જેમ ખુશ રહેવા માંગતો હતો, પણ અંતે જીવવા માટે મરવા કરતાં વધુ હિંમત જોઈએ છે. બસ હવે મને શાંતિપૂર્ણ ઊંઘ જોઈએ છે. આવજો કહેવાનો સમય આવી ગયો છે.