For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વીંછિયાના પાટિયાળીમાં ખેડૂતની હત્યા કરનાર ત્રિપુટીને આજીવન કેદ

12:05 PM Mar 08, 2024 IST | Bhumika
વીંછિયાના પાટિયાળીમાં ખેડૂતની હત્યા કરનાર ત્રિપુટીને આજીવન કેદ
  • છ વર્ષ પૂર્વે ખેતરમાં છૂટા મુકેલા ઢોર બહાર કાઢવા મુદ્દે થયેલા ઝઘડામાં ત્રણેય શખ્સોએ ખૂની ખેલ ખેલ્યો’તો

વીંછીયાના પાટીયાળી ગામે છ વર્ષ પૂર્વે ચરતા ઢોરને પોતાના ખેતરમાંથી બહાર કાઢવા મુદ્દે થયેલા ઝઘડામાં ખેડૂતની હત્યા કરનાર ત્રણ શખ્સોને અદાલતે તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફરમાવતો હુકમ કર્યો છે.

Advertisement

આ કેસની હકીકત મુજબ વિંછીયાના પાટીયાળી ગામે તા.25/10/2017 ના રોજ વાલજી રણછોડ તાવીયા, ભના ઉર્ફે કાળુ રણછોડ તાવીયા અને હરેશ વાલજી તાવીયાએ ફરીયાદી રાજેશ ઓઘાભાઈ તાવિયાના ખેતરમાં પોતાના ઢોર ચરવા માટે છુટા મુકી દીધા હતા. આ સમયે ફરીયાદી અને તેના કુટુંબીએ આ ઢોરોને પોતાના ખેતરમાંથી બહાર કાઢ્યા હતા. આ બાબતનો ખાર રાખી ત્રણેય આરોપીઓએ રાત્રીના સમયે મૃતક ઓઘાભાઈ જેમાભાઈ તાવિયા ઉપર હથિયારો વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા હતા. અને તેમની સાથેના તેમના દીકરા રાજેશ ઓઘાભાઈ તાવીયા અને જમાઈ ભાવેશ ધનજીભાઈ કટારિયાને લોખંડના પાઈપ અને કુહાડા વડે ગંભીર ઈજાઓ પહોંચાડેલ હતી. આ અંગે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. આરોપીઓ સામે પૂરતો પુરાવો મળતા તપાસનીશ અમલદારે કોર્ટમાં ચાર્જશીટ રજુ કર્યું હતુ. જે કેસ ચાલવા ઉપર આવતા ત્રણેય આરોપીઓ તરફે ઉલટ તપાસ દરમ્યાન બચાવ લેવામાં આવેલ કે સાહેદોની જુબાનીને શબ્દસહ: વંચાણે લેતા બનાવ સમયે ત્રણ આરોપીઓ તેમજ ત્રણ ઈજાપામનારાઓ હાજર હોવાનું શંકાસ્પદ જણાય છે તેમજ જે હથીયારો વડે ઈજાઓ પહોંચાડેલ હોવાની ફરીયાદ છે તે હથીયારોથી મૃત્યુ અને ઈજાઓ થયેલ હોવાનું ડોકટરની જુબાનીથી સાબીત થતુ નથી. તેથી આરોપીઓ સામેનો હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો નિ:શંકપણે સાબીત થતો નથી. જેની સામે સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ એસ. કે. વોરાએ રજુઆત કરેલ હતી કે આ બનાવનું કારણ ફરીયાદીના ખેતરમાં આરોપીઓએ પોતાના ઢોરને ચરવા માટે ખુલ્લા મુકી દીધેલ હોવાનું છે. આ બનાવ જે દિવસે બનેલ તે દિવસે રાત્રીના સમયે ફરીયાદ પક્ષના ત્રણ શખ્સો ઉપર ત્રણેય આરોપીઓએ હુમલો કર્યો હતો. ત્યારે આરોપીઓની ગુનાહીત માનસીકતા સ્પષ્ટ જણાય આવે છે. ફરીયાદ પક્ષના એક વ્યકિતની હત્યા અને બે વ્યકિતઓને ગંભીર ઈજા સાબીત કરે છે કે આ ત્રણેય શખ્સો ઉપર એકથી વધારે વ્યકિતઓએ હુમલો કરેલ છે કારણ કે કોઈ એક જ વ્યકિત ત્રણ શખ્સોને ઈજાગ્રસ્ત કરી શકે નહીં. આ પરિસ્થિતી હોય ત્યારે આરોપી પક્ષે એ હકીકત સ્પષ્ટ કરવી જોઈએ કે હુમલા વખતે ત્રણમાંથી ખરેખર કોણ આરોપીઓ હતા અને કયા આરોપીનું નામ ખોટી રીતે જણાવવામાં આવેલ છે. આમ કરવાના બદલે ત્રણેય આરોપીઓ બનાવ જ બનેલ હોવાનો ઈન્કાર કરે છે. આ રીતે આરોપીઓ પોતે નિર્દોષ હોવાનું સાબીત કરવાના બદલે પ્રોસીકયુશનના કેસમાં ખામીઓ ગોતી પોતે લાભ લેવા માગે છે તેમ સાબીત થાય છે. આરોપીઓ સામેના વૈજ્ઞાનિક પુરાવા તથા કેસની હકીકતો જોતા ત્રણમાંથી જો કોઈ આરોપી બનાવ સમયે હાજર ન હોય તો તેવા આરોપીએ પોતાનો બચાવ અલગ જ પ્રકારે કરવો જોઈએ. આમ કરવાના બદલે ત્રણેય આરોપીઓએ એક જ પ્રકારનો ટેકનીકલ બચાવ લીધેલ છે. આ કારણે ત્રણેય આરોપીઓની હાજરી બનાવ સમયે માનવાપાત્ર બની જાય છે. સરકાર તરફેની આ રજુઆતોના અંતે અધિક સેશન્સ જજ બી.બી. જાદવે આરોપી વાલજી રણછોડ તાવીયા, ભના ઉર્ફે કાળુ રણછોડ તાવીયા અને હરેશ વાલજી તાવીયાને ખૂનના ગુનામાં તકસીરવાન ઠરાવી આજીવ કેદની સજા ફરમાવતો હુકમ કર્યો છે.આ કેસમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે.વોરા રોકાયા હતા.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement