મહુવા પંથકના મર્ડરના ચાર આરોપીને આજીવન કેદની સજા
ચાર વર્ષ પહેલાં થયેલી યુવાનની હત્યામાં મહુવા કોર્ટનો ચુકાદો
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના માતલપર ગામે રહેતા યુવાનની ચાર શખ્સોએ ચાર વર્ષ પૂર્વે કરેલી ક્રુરતા પુર્વકની હત્યાનો કેસ મહુવાના ચોથા એડિશનલ સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલની દલીલો તથા આધાર પુરાવા ગ્રાહ્ય રાખી અદાલતે ચારેય આરોપીઓને કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા તથા રોકડ દંડ ફટકાર્યો હતો.
બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ મહુવા તાલુકાના માતલપર ગામના કોદાળા વાડી વિસ્તારમાં હિંમતભાઈ ઉર્ફે ખત્રી જોધાભાઈ ચુડાસમા ઉંમર વર્ષ 29 ધંધો મજૂરી, જનકભાઈ જગો જીલુભાઈ બારૈયા ઉંમર વર્ષ 20 ધંધો મજૂરી, મુકેશભાઈ મુકો મનુભાઈ ભાલીયા ઉંમર વર્ષ 30 ધંધો મજુરી, તથા ગોવિંદભાઈ ઉર્ફે ગોબરભાઈ નગાભાઈ ભાલીયા ઉંમર વર્ષ 35 નામના શખ્સો ગત તારીખ 19. 11. 2020ના રોજ સાંજના સુમારે દારૂૂ પીવા ભેગા થયા હતા ત્યારે સુરેશ રાઠોડને માર મારવાનો પ્લાન ઘડી ગુનાહિત કાવતરું રચે ત્યાંથી માતલપર ગામમાં વાણી પાન કોલ્ડ્રીંક્સ નામની દુકાન પાસે સાંજે 7:30 વાગ્યાના સુમારે આવીને સુરેશ રાઠોડની તપાસ કરતા તે મળી આવેલ નહીં આથી ચારેય શખ્સોએ ગોવિંદભાઈ નામનો માણસ દૂધ ભરવા આવેલ તેને સુરેશ ની ચહલ પહલ ઉપર નજર રાખવા જણાવેલ દરમિયાન ગોવિંદે તપાસ કરીને હિંમત ઉર્ફે ખત્રીને સુરેશની માહિતી ફોન ઉપર આપેલ.દરમિયાન મુકેશ ઉર્ફે મુકો માતલપર ગામમાં જઈને સુરેશની તપાસ કરતા તે મળી જતા તેને વાડી વિસ્તારમાં દારૂૂની પાર્ટી રાખેલ હોય ત્યાં હિંમત સાથે સમાધાન કરવાનું કહીને મોટરસાયકલ પાછળ બેસાડી તેના ઘર પાસેથી બેડા રોડે અંધારી વિસ્તારમાં હાઈસ્કૂલ પાસે લઈ જઈ ત્યાં ઉતારી દીધેલ અને હિંમત ઉર્ફે ખત્રીને તે અંગેની જાણ કરેલ દરમિયાન હિંમત ઉર્ફે ખત્રી, જનક ઉર્ફે જગો, મુકેશ ઉર્ફે મૂકો તથા ગોબર નામના ચારેય શખ્સોએ આરોપીને લાકડી તથા છરી વડે શરીરના ભાગો પર આડેધડ ઘા ઝીંકી ઇજાઓ કરી હત્યા કરી નાસી છૂટયા હતા.
આ બનાવ અંગેની જે તે સમયે બગદાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી 302 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરેલ આ બનાવ અંગેનો કેસ મહુવાના ચોથા એડિશનલ સેશન્સ જજ એ.એસ પાટીલની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ કે.એચ. કેસરીની દલીલો તથા આધાર પુરાવા ગ્રાહ્ય રાખી આઇ.પી.સી. 302ના ગુનામાં ચારેય આરોપીઓને કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા તથા રૂૂપિયા 10,000નો રોકડ દંડનો હુકમ કર્યો હતો.