ઉનાના આમોદ્રામાં દીપડાનો ખેડૂત પર હુમલો, હાથમાં ગંભીર ઈજા
વન વિભાગે બેભાન કરી જશાધાર એનિમલ કેર સેન્ટરમાં ખસેડયો
ઉના તાલુકાના અમોદ્રા ગામે વહેલી સવારે દીપડાએ એક ખેડૂત પર હુમલો કરતા ગામમાં ભયનો માહોલ છવાયો છે. આ હુમલામાં ખેડૂતને હાથના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, અમોદ્રા ગામના ખેડૂત રમેશ ઝાલાવાડીયા પોતાના પશુ બાંધવાના મકાનમાંથી અવાજ આવતા ત્યાં જોવા ગયા હતા. આ જ સમયે અચાનક ધસી આવેલા દીપડાએ તેમના પર હુમલો કર્યો હતો. દીપડાના હુમલામાં રમેશભાઈને હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.
ખેડૂત પર હુમલો કર્યાં બાદ દીપડો ઘરમાં ઘૂસી ગયો હતો અને રસોડા લપાઈ ગયો હતો, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. જે બાદ ઇજાગ્રસ્ત ખેડૂત રમેશભાઈને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ વન વિભાગને આ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને દીપડાને ટેંગુલાઈઝર ગન વડે બેભાન કરીને મહામહેનતે રસોડામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. હાલ આ દીપડાને જશાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે.