એઇમ્સ હોસ્પિટલમાં દીપડો ત્રાટકયો, વાછરડાનું મારણ કરતા ફફડાટ
ગર્લ્સ હોસ્ટેલના રસ્તામાં જ વહેલી સવારે શિકાર કર્યો, સવારે જાણ થતા ભારે દોડધામ, ફોરેસ્ટ વિભાગનો કાફલો દોડયો
રાજકોટની ભાગોળે લાંબા સમયથી ધામા નાખનાર દીપડો માનવહાની કરે તે પૂર્વે પાંજરે પૂરવા માંગણી
રાજકોટ શહેરની ભાગોળે એઇમ્સ હોસ્પિટલ અને પરાપીપળીયા સહીતના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી ધામા નાખીને બેઠેલા દીપડાએ ગત રાતે એઇમ્સની ગર્લ્સ હોસ્ટેલના રસ્તામાં જ એક વાછરડીનું મારણ કરતા ગર્લ્સ હોસ્ટેલની છાત્રાઓ અને એઇમ્સના સ્ટાફમાં ફફડાટની લાગણી ફેલાયેલ છે.
મળતી માહિતી મુજબ ગતરાતે એઇમ્સની ગર્લ્સ હોસ્ટેલના એન્ટ્રીના રોડ ઉપર જ દીપડાએ એક વાછરડાનું મારણ કર્યું હતું. આ અંગે સવારે ગાર્ડને જાણ થતા તેમણે તુરત જ એઇમ્સના અધિકારીઓને જાણ કરી હતી અને વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગનો કાફલો પણ એઇમ્સ હોસ્પીટલે દોડી ગયો હતો અને દીપડાના સગડ મેળવવા પ્રયાસો શરૂ કર્યા છે.
દીપડાના પગના નિશાન જોતા દીપડો એઇમ્સની ગર્લ્સ હોસ્ટેલની વંડી પાસે એન્ટ્રી પોઇન્ટ ઉપર જ વાછરડાનો શિકાર કરી નજીકના ખેતર તરફ નાસી ગયાનું જણાયું હતું.
ઉલ્લેખનીય છે કે એઇમ્સ એ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે અને ત્યાં સૌરાષ્ટ્રભરમાંથી દરરોજ એકાદ હજાર જેટલા દર્દીઓ અને તેના સગાવહાલાઓની અવરજવર રહે છે. એઇમ્સમાં પણ 500થી વધુનો સ્ટાફ છે અને ગર્લ્સ હોસ્ટેલમાં પણ મોટી સંખ્યામાં નર્સિંગ સ્ટાફ રહેતો હોવાથી ત્યાં સતત 24 કલાક લોકોની અવર જવર રહે છે. આવી સ્થિતિમાં દીપડો એઇમ્સ સુધી પહોંચી જતા સ્ટાફમાં પણ ફફડાટ ફેલાયો છે.
પરાપીપળીયા ગામના સીમ વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી દીપડાએ પડાવ નાખ્યો છે ત્યારે આ દીપડો કોઇ માનવી ઉપર હુમલો કરે તે પહેલા ફોરેસ્ટ વિભાગ પાંજરે પુરે તેવી માંગણી ઉઠવા પામી છે.