ભાજપ સદસ્યતા અભિયાનમાં ઢીલ, નેતાઓને દિલ્હીનું તેડું
9મી સુધીની કામગીરીનો અહેવાલ લઈ અભિયાનના સંયોજક અને પ્રદેશ મહામંત્રીઓને દિલ્હી રૂબરૂ બોલાવાયા
સંયોજક કે.સી. પટેલે તાલુકા પંચાયતના સદસ્યોથી માંડી સાંસદ સુધીના પદાધિકારીઓને બે પાનાનો પત્ર લખ્યો
ગુજરાતમાં ભાજપના સદસ્યતા અભિયાનનો ભારે જોશભેર પ્રારંભ થયો છે. અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે સંગઠનને બે કરોડ સભ્યો બનાવવાનો લક્ષ્યાંક આપી પોતે પણ સદસ્યતા અભિયાન માટે વિવિધ શહેર-જિલ્લામાં બેઠકો યોજી રહ્યા છે. ત્યારે આ અભિયાનમાં ભાજપ હાઈકમાન્ડ કોઈ કચાશ રાખવા માંગતું હોય નહીં તેમ આ કામગીરીમાં ઢીલ રાખતા નેતાઓને હાઈકમાન્ડે સીધુ જ તેડુ મોકલ્યું હોવાનું જાણવા મળે છે.
2 સપ્ટેમ્બરથી દેશમાં ભાજપના સદસ્યતા અભિયાન 2024નો પ્રારંભ થયો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ પીએમ મોદીને પ્રથમ પ્રાથમિક પદની સદસ્યતા અપાવી અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારબાદ ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે ઈખ ભૂપેન્દ્ર પટેલને પ્રાથમિક સભ્ય પદની સદસ્યતા અપાવી અભિયાનનો પ્રારંભ કરાવ્યો. ગુજરાતમાં ભાજપે સદસ્યતા અભિયાનની કામગીરી શરૂૂ કરી પરંતુ સાત દિવસ સુધી પક્ષમાં નેતાઓની નબળી કામગીરી જોવા મળી છે જેની નોંધ દિલ્હી ભાજપ હાઈકમાન્ડ લીધી છે અને 10 તારીખે ગુજરાત પ્રદેશના સદસ્યતા અભિયાનના જવાબદાર નેતાઓને દિલ્હીનું તેડું આવ્યું છે.
દિલ્હીનું તેડું આવતા જ ગુજરાત ભાજપના સદસ્યતા અભિયાનના સંયોજક કે.સી પટેલ એક્શન મોડમાં આવી ગયા છે અને એક ફોર્મ સાથે બે પેજનો પત્ર લખીને સાંસદો, ધારાસભ્યો, કોર્પોરેટરો, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યોને સમયસીમા સાથે ટાર્ગેટ પુરો કરવા સુચના આપી છે.
ગુજરાતમાં ધીમી ગતિથી સદસ્યતા અભિયાનને લઈ ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ પણ એક્શન મોડમાં જોવા મળ્યું હતું. ગુજરાત ભાજપના નેતાઓ અભિયાનને લઇ ગંભીર નથી લાગી રહ્યાં. કેન્દ્રીય નેતૃત્વ દ્વારા તમામ રાજ્યોના પ્રદેશ પ્રમુખ, રાજ્યોમાં અભિયાનના સંયોજક અને 2 પ્રદેશ મહામંત્રીઓને 10 સપ્ટેમ્બરના દિલ્હી ખાતે બોલાવવામાં આવ્યા છે, જેમાં 3 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર સુધીમાં સદસ્યતા અભિયાનને લઇ કરેલી કામગીરીનો ડેટા મંગાવાયો છે. કેંદ્રીય નેતૃત્વ ડેટાના આધારે ક્યા રાજ્યમાં કેવા પ્રકારની કામગીરી ચાલી રહીં છે તેનું રિવ્યુ કરશે. એક બાજુ ભાજપના સદસ્યતા અભિયાનમાં ગુજરાત ભાજપે પ્રથમ નંબરે આવવા માટે પ્રદેશ પ્રમુખે આહવાન કર્યું છે પણ ભાજપના પ્રદેશના નેતાઓ આરામના મૂડમાં છે. જોકે નેતાઓમાં અંદરખાને એવી ચર્ચા છે કે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ અભિયાનમાં જોરશોરથી કામ કરશે.
કોને કેટલા સભ્યો બનાવવાનો ટાર્ગેટ
- સાંસદોને વ્યક્તિગત 10 હજાર અને મતવિસ્તારમાં 7 લાખ
- ધારાસભ્યોને વ્યક્તિગત 5 હજાર અને મતવિસ્તારમાં 1 લાખ
- કાઉન્સિલરોને 2000 સભ્યોનો ટાર્ગેટ
- જિ.પંચાયતના સભ્યોને 1 હજાર સભ્યોનો ટાર્ગેટ
- તા.પંચાયતના સભ્યોને 500 સભ્યોનો ટાર્ગેટ
- નગરપાલિકાના સભ્યોને 500 સભ્યોનો ટાર્ગેટ
- પ્રદેશ પદાધિકારીઓને 1000 સભ્યોનો ટાર્ગેટ
- પ્રદેશ મોરચાના પ્રમુખ-મહામંત્રીને 1000 સભ્યોનો ટાર્ગેટ
- પ્રદેશ સેલ સંયોજકને 1000 સભ્યોનો ટાર્ગેટ
- શહેરી મંડલ પદાધિકારીને 500 સભ્યોનો ટાર્ગેટ
- પૂર્વ સાંસદોને વ્યક્તિગત 2 હજાર સભ્યોનો ટાર્ગેટ
- પૂર્વ ધારાસભ્યોને વ્યક્તિગત 1 હજાર સભ્યોનો ટાર્ગેટ
- 2022 વિધાનસભા હારેલા ઉનેદવારોને 2500 સભ્યોનો ટાર્ગેટ
- પ્રદેશ અને જિલ્લા કક્ષાના સહકારી આગેવાનોને 3000 સભ્યોનો ટાર્ગેટ