લોરેન્સ જેલમાંથી બહાર આવશે તે જ દિવસે ઠાર મારશું
રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતના વિવાદિત એલાનથી ભારે ચકચાર
તાજેતરમાં મહારાષ્ટ્રના NCPના નેતા બાબા સિદ્દિકીની ગોળી મારીને લોરેન્સ ગેંગે હત્યા કરાવી હતી. બાબા સિદ્દીકીની હત્યાના થોડા દિવસ બાદ સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મુંબઈ ટ્રાફિક કંટ્રોલ રૂૂમને વોટ્સએપ મેસેજથી મોકલી હતી. ત્યારે લોરેન્સ બિશ્નોઇને લઇને વધુ એકવાર રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે વિવાદિત નિવેદન આપ્યું છે. વલસાડ આવેલા રાજ શેખાવતે જણાવ્યું કે, લોરેન્સ કાયર છે એટલે જામીન અરજી નથી મૂકતો, જે દિવસે જેલમાંથી બહાર આવ્યો એ દિવસે અમારા રાજપૂત યોદ્ધાઓ એને ઠાર કરી દેશે. આગામી 22 ડિસેમ્બરના રોજ અમદાવાદ ખાતે યોજાનારું ક્ષત્રાણી એકતા સંમેલનમાં વલસાડ જિલ્લાના ક્ષત્રિય સમાજના અગ્રણીઓને આમંત્રણ આપવા રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત વલસાડ આવ્યા હતા.
જેમણે કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇને જણાવ્યું હતું કે, લોરેન્સ એક આતંકવાદી છે. જે હત્યાઓને અંજામ આપે છે, ખંડણી વસૂલે છે અને ડ્રગ્સનો વેપાર કરે છે. દેશના યુવાઓનું ભવિષ્ય બરબાદ કરનાર કાયર માણસ 12-12 વર્ષથી જેલમાં છે.
રાજ શેખાવતે વધુમાં કહ્યું કે, લોરેન્સ એના માણસો દ્વારા હત્યાઓ કરાવે છે અને જેલમાં બેઠો તમામ જવાબદારી પોતાના પર લે છે. અમારા સમાજની ધરોહર, અમારા આગેવાન સુખદેવસિંહ ગોગામેડીની લોરેન્સે જેલમાં બેઠા એના માણસો દ્વારા હત્યા કરાવી હતી. અમને અમારો મુખિયો જોઇએ છે, જેલમાં બેઠેલા એ માણસનું એન્કાઉન્ટ કરવું જોઇએ અથવા કોઇ કેદીએ એને ઠાર કરી દેવો જોઇએ, એને ઠાર મારનાર માણસને અમે પુરસ્કાર આપીશું. ભયમુક્ત ભારત કરવું એ અમારો ધર્મ છે અને એ કરીને જ રહીશું.
નગરપાલિકામાં ટિકિટ ન મળે તો ક્ષત્રિયો અપક્ષ લડશે
આ ઉપરાંત વલસાડ આવેલા રાજ શેખાવતે આવનાર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓને લઇને પણ ક્ષત્રિયોને ટિકિટ ન મળે તો અપક્ષ લડવા માટે જણાવ્યું હતું. રાજ શેખાવતે કહ્યું હતું કે, નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓને ટિકિટ આપવામાં અવગણના કરવામાં આવશે તો તેનું પરિણામ જે તે પક્ષના લોકોએ ભોગવવું પડશે. જે પક્ષ ક્ષત્રિય સમાજના આગેવાનોને ટિકિટ નહીં આપે તેના વિરુદ્ધ મતદાન કરાવીશું. ગત લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ક્ષત્રિયોની ભૂલ થઈ હતી. પરંતુ આગામી ચૂંટણીમાં આવી ભૂલ નહીં થાય તેમ જણાવ્યું હતું.
જેલમાં બેઠા હત્યાઓ અને ડ્રગ્સનો ધંધો કઈ રીતે કરે છે?
રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે વધુમાં કહ્યું કે, જેલમાં એક આમ આદમી પાસે કોઇ સંપર્ક નથી હોતો, તો આ ગેંગસ્ટર કઇ રીતે હત્યાઓ કરાવે છે અને કઇ રીતે ડ્રગ્સનો ધંધો કરે છે? આમાં અંદર ને અંદરના લોકો પણ સંડોવાયેલા હોવા જોઇએ તો જ આ શક્ય છે, બાકી કંઇ ન થાય. મને તો એ નથી સમજાતું કે કેન્દ્ર સરકાર કેમ એનું એન્કાઉન્ટર નથી કરતી અને એને કેમ આટલો સાચવે છે. આવી ગેંગોનો ખાતમો કરવાનું કામ સરકારનું છે.