ધોલેરામાં લઠ્ઠાકાંડ? દેશી દારૂ પીવાથી બેના મોત
20થી વધુ લોકોને હોસ્પિટલમાં ખસેડાયા, પોલીસ દ્વારા ઘટના દબાવવાની કોશિષ થઇ રહ્યાનો શક્તિસિંહ ગોહિલનો આક્ષેપ
સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા ધોલેરામાં લઠ્ઠાકાંડની ઘટના સામે આવી છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે X પર પોસ્ટ કરીને આ વાતની જાણકારી આપી છે. આ સાથે જ શક્તિસિંહ ગોહિલે મુખ્યમંત્રીને યોગ્ય તપાસ કરાવવાની માંગ કરી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે X પર પોસ્ટ કરતા લખ્યુ, ધોલેરામાં લઠ્ઠાકાંડ થયો છે અને મજદૂરના મૃત્યુ થયેલ છે પરંતુ પોલીસ દ્વારા સમગ્ર મામલો દબાવી દેવાની કોશિશ થઇ રહી છે તેવા કેટલાક ફોન મારા ઉપર આવેલ છે. મુખ્યમંત્રી આપ યોગ્ય તપાસ કરાવશો જેથી સત્ય બહાર આવે અને સારવારના અભાવે કોઇ ગરીબના વધુ મૃત્યુના થાય.
શક્તિસિંહ ગોહિલે સ્પષ્ટતા કરતા કહ્યું કે, પઅમદાવાદના DSPનો મારા ઉપર ફોન આવેલ છે કે ધોલેરામાં દેશી દારૂ પીવાના કારણે બે વ્યક્તિના મૃત્ય થયેલ છે. જે બુટલેગરના ત્યાંથી મૃતકોએ દારૂૂ પીધો હતો તેજ જગ્યાએથી બીજા જે લોકોએ દારૂૂ પીધેલ તેઓને પ્રિકોશન તરીકે હોસ્પિટલમાં દાખલ કરેલ છે અને તેઓ જાતેજ ગુન્હાની ઉપર નજર રાખી રહેલ છે . જે બાબતની હું સરાહના કરું છું પરંતુ સમગ્ર ગુજરાતમાં અસામાજિક પ્રવૃત્તિ જે રીતે વધી છે તે ચિંતાનો વિષય છે .
ધોલેરામાં બે લોકોના શંકાસ્પદ રીતે મોત અને અન્ય એક સારવાર હેઠળ છે. ફેદરા 108 દ્વારા એકને સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડ્યા છે. અમદાવાદ ગ્રામ્ય એસ.પીએ બે લોકોના મોત ડોક્ટરના જણાવ્યા અનુસાર ડીહાઇડ્રેશનના કારણે થયા હોવાનું જણાવ્યું છે. ધોલેરા ગામ સહિતના વિસ્તારોમાં લોકોમાં લઠ્ઠાકાંડ થયો હોવાની ચર્ચા એ જોર પકડ્યું છે. ધોલેરામાં લઠ્ઠાકાંડની આશંકાને જોતા વીસેક લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે.
ડીહાઈડ્રેશનથી મોત થયા છે, મિથોનોલની હાજરી નથી: આઈ.જી.
ઢોલેરા સ્માર્ટ સિટીમાં બે લોકોના શંકાસ્પદ મોત બાદ આ મામલામાં લઠ્ઠાકાંડની શકયતા સર્જાઈ છે. સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા ઢોલેરામાં આ ઘટના બનતા ચકચાર જાગી છે. આ મામલે અમદાવાદના ઈન્ચાર્જ રેન્જ આઈ.જી.વિધી ચૌધરી સાથે વાતચીત કરતાં ‘ગુજરાત મિરર’ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર ઘટનામાં એફએસએલ દ્વારા તપાસ કરાવવામાં આવી છે અને બે લોકોના મોત લઠ્ઠાકાંડ નહીં પણ ડિહાઈડ્રેશનથી થયાનું લાગી રહ્યું છે. આ મામલે એફએસએલ દ્વારા તપાસ કરાવવામાં આવતાં મૃતકોના શરીરમાંથી મેથોનોલની હાજરી મળી આવી નથી છતાં પણ હજુ એફએસએલ દ્વારા તપાસ કરાવવામાં આવી રહી છે. પ્રાથમિક રીતે તપાસમાં આ ઘટનામાં લઠ્ઠાકાંડ નહીં પણ મોતનું કારણ ડિહાઈડ્રેશન હોવાનું સામે આવી રહ્યું છે.