ઉપલેટાના લાઠ ગામમાં આભ ફાટ્યું: 3 કલાકમાં 11 ઇંચ વરસાદથી જળબંબાકાર
હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના છેલ્લા 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ત્યારે રાજકોટ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. ઉપલેટાના મજેઠી, લાઠ, ભીમોરા, કુઢેચ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો. લાઠ ગામમાં બે કલાકમાં 11 ઈંચ વરસાદ ખાબકતા રસ્તાઓ પર નદી જેવો માહોલ જોવા મળ્યો હતો. ધોધમાર વરસાદના કારણે સમગ્ર લાઠ ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે.
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉપલેટાના તલંગણામાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
ધોરાજીમાં પણ સવારથી વરસાદી માહોલ જામ્યો છે.
રાજ્યમાં 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ વલસાડના ઉમરગામમાં સવા આઠ ઇંચ વરસાદ ખાબક્યો હતો. સુરતના કામરેજમાં સવા છ ઈંચ, સુરતના પલસાણામાં સવા છ ઈંચ, સુરત શહેરમાં છ ઈંચ, તાપીના નિઝરમાં પોણા છ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જામજોધપુરમાં પોણા ચાર ઈંચ વરસાદ વરસ્યો છે.