મહિલાનો પ્લોટ પચાવી પાડનાર માતા-બે પુત્રો સામે લેન્ડગ્રેબિંગ
પ્લોટમાં ગેરકાયદેસર કબજો કરી મકાન બનાવી અન્યને ભાડે પણ આપી દીધું
રાજકોટનાં આંબેડકરનગરના ગોંડલ રોડ પર રહેતા મહિલાના કિંમતી પ્લોટ ઉપર કબજો કરી તેમાં મકાન ચણી લઈ અને બારોબર ભાડે આપી દેવાના પ્રકરણમાં અંતે લોધિકાના માખાવડ ગામની મહિલા અને તેના બે પુત્રો સામે લેન્ડગ્રેબીંગ હેઠળ ગુનો નોંધાયો છે. આ મામલે માલવીયાનગર પોલીસે માતા-પુત્રોની ધરપકડ કરી છે.
મળતી વિગતો મુજબ ગોંડલ રોડ વર્કશોપ પાછળ આંબેડકરનગર શેરી નં.14માં રહેતા મોતીબેન માંડાભાઈ ચીરોડીયાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે લોધિકાના માખાવડ ગામના નંદુબેન દાનાભાઈ સોમૈયા, કિશનભાઈ દાનાભાઈ સોમૈયા અને બીજા પુત્ર રવિ દાના સોમૈયાનું નામ આપ્યું છે. આ મામલે માલવીયાનગર પોલીસે મોતીબેનની ફરિયાદને આધારે નંદુબેન અને તેના બે પુત્રો કિશન અને રવિ સામે લેન્ડગ્રેબીંગ હેઠળ ગુનો નોંધ્યો છે. ફરિયાદ નોંધાવનાર મોતીબેને ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમની જમીન રાજકોટનાં મવડી ગામના રેવન્યુ સર્વે નં.99 તથા 100 પૈકી મકાન બાંધવા માટેનો પ્લોટ જે 46 નંબરનો અને 501.67 ચોરસ વારનો હોય આ પ્લોટમાં ઓગસ્ટ 2014થી નંદુબેન અને તેના બે પુત્રોએ કબજો કરી લીધો હતો અને આ પ્લોટ ઉપર મકાનનું બાંધકામ કરી આ મકાન અન્યને ભાડે પણ આપી દીધું હતું.
આ અંગે મોતીબેને નંદુબેન અને તેના પુત્ર કિશન અને રવિને અનેક વખત પોતાનો પ્લોટ ખાલી કરવા માટે વાતચીત કર્યા છતાં માતા પુત્રોએ મહિલાનો પ્લોટ ખાલી નહીં કરી પચાવી પાડી બારોબાર ભાડે આપી દીધો હોય જે મામલે મોતીબેને કલેકટર કચેરીમાં અરજી કરી હતી. જે અંગેની તપાસ બાદ કલેકટરે આ મામલે પોલીસ કમિશ્નરને લેન્ડગ્રેબીંગ હેઠળ ગુનો નોંધવા સુચન કરતાં માલવીયાનગર પોલીસે મોતીબેન માંડાભાઈ ચીરોડીયાની ફરિયાદના આધારે લોધિકાના માખાવડ ગામના નંદુબેન સોમૈયા અને તેના બે પુત્રો કિશન અને રવિ દાના સોમૈયા સામે ગુનો નોંધ્યો હતો અને જે અંગેની તપાસ પશ્ર્ચિમ વિભાગના એસીપી રાધિકા ભારાઈને સોંપવામાં આવી હતી. પોલીસે માતા અને બે પુત્રોની ધરપકડ કરી હતી.