ધો.9 અને 11માં હવે પ્રશ્ર્નોનો રેશિયો 70:30નો રહેશે
70 ટકા વર્ણનાત્મક અને 30 ટકા હેતુલક્ષી પ્રશ્ર્નો પૂછાશે, પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હવે ચાલુ શૈક્ષણિક સત્રથી ધો.9 અને 11ની પરીક્ષાના માળખામાં મહત્ત્વના ફેરફાર કરવાની જાહેરાત કરાઇ છે. હવે ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષાની જેમ ધો.9 અને 11માં પણ જનરલ વિકલ્પ આપવામાં આવશે. એટલે કે, સમગ્ર પ્રશ્નપત્રમાં 30 ટકા હેતુલક્ષી પ્રશ્નો અને 70 ટકા વર્ણનાત્મક પ્રશ્નો પૂછવામાં આવશે.
હાલમાં 20 ટકા હેતુલક્ષી પ્રશ્નો અને 80 ટકા વર્ણનાત્મક પ્રશ્નો પૂછવામાં આવે છે. નવી પદ્ધતિ લાગુ થવાથી ગણતરીના માર્કસથી નાપાસ થતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થશે. બોર્ડ દ્વારા નવી દાખલ કરવામાં આવેલી પરીક્ષા પદ્ધતિની અસર ધો.9 અને ધો.11માં અભ્યાસ કરતાં અંદાજે 15 લાખથી વધુ વિદ્યાર્થીઓને થશે.
દેશમાં નવી શૈક્ષણિક પદ્ધતિ લાગુ કરવામાં આવી છે. જેના અનુસંધાનમાં શૈક્ષણિક વર્ષ 2024-25 શરૂૂ થયા બાદ ત્રણ મહિના પછી હવે આગામી દિવસોમાં સ્કૂલોમાં પ્રથમ પરીક્ષા આવવાની તૈયારી છે ત્યારે બોર્ડ દ્વારા ધો.9 અને 11માં પ્રશ્નપત્રો-પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવાની જાહેરાત કરવામાં આવી છે. ધો.9 અને 11માં હવે 80ના બદલે 70 ટકા વર્ણનાત્મક અને 30 ટકા હેતુલક્ષી પ્રશ્નો રહેશે. આ ઉપરાંત તમામ વર્ણનાત્મક પ્રશ્નોમાં આંતરિક વિકલ્પના બદલે હવે જનરલ વિકલ્પ આપવામાં આવશે. બોર્ડ દ્વારા ગત વર્ષથી ધો.10 અને 12માં આ પદ્ધતિ લાગુ કરવામાં આવી છે. હવે ધો.9 અને 11માં પણ એકસૂત્રતા રહે તે માટે નવી પદ્ધતિ લાગુ કરવામાં આવી છે. ધો.11ના સાયન્સ,કોમર્સ સહિતના તમામ પ્રવાહમાં નવી પદ્ધતિ લાગુ કરવામાં આવશે. સંસ્કૃત પ્રથમા અને મધ્યમામાં પણ નવી પદ્ધતિ પ્રમાણે જ પરીક્ષા લેવામાં આવશે.
ગુજરાતી પ્રથમ અને દ્વિતીય ભાષા તેમજ અંગ્રેજી પ્રથમ અને દ્વિતિય ભાષા, હિન્દી પ્રથમ અને દ્વિતિય ભાષા અને સંસ્કૃત પ્રશ્નપત્ર પરિરૂૂપ અને ગુણભાર અને નમૂના પ્રશ્નપત્ર તૈયાર કરીને જિલ્લા શિક્ષણાધિકારીઓને મોકલી આપવામાં આવ્યા છે.
આગામી દિવસોમાં લેવાનારી પરીક્ષા નવા પરિરૂૂપ પ્રમાણે જ લેવામાં આવશે. સ્કૂલોમાં ધો.11માં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, આર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, વાણિજ્ય વ્યવસ્થા, નામાના મૂળતત્ત્વો, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ઇતિહાસ, ભૂગોળ, ગણિત, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી સહિતના તમામ વિષયોના નમૂના પ્રશ્નપત્રો નવી પદ્ધતિ પ્રમાણે જ તૈયાર કરવામાં આવ્યા છે. બાકીના વિષયો જેવા કે વોકેશનલ વિષયોના પરિરૂૂપ હવે પછી જાહેર કરવામાં આવશે.
આગામી પરીક્ષા અને હવે પછી લેવાનારી તમામ પરીક્ષાઓ નવા પરિરૂૂપ પ્રમાણે જ લેવાશે. જેના કારણે વિદ્યાર્થીઓને ભવિષ્યમાં ધો.10 અને 12ની પરીક્ષામાં ફાયદો થશે.
જનરલ અને આંતરિક વિકલ્પ શું છે
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હવે પછી ધો.9 અને 11માં જનરલ વિકલ્પની જોગવાઇ લાગુ કરવામાં આવી છે. અત્યાર સુધી આંતરિક વિકલ્પ આપવામાં આવતા હતા. એટલે કે, જૂની પદ્ધતિમાં એક પ્રશ્નના વિકલ્પમાં અન્ય એક પ્રશ્ન આપવામાં આવતો હતો. જેમાં વિદ્યાર્થીઓએ બે પૈકી કોઇપણ એક પ્રશ્નનો જવાબ લખવાનો રહેતો હતો. હવે જનરલ વિકલ્પ(ઓપ્શન)માં પાંચ પ્રશ્નો પૂછવામાં આવશે, જે પૈકી કોઇપણ બે કે ત્રણ પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. આમ, જનરલ વિકલ્પને કારણે વિદ્યાર્થીઓ મર્યાદિત તૈયારી કરીને પણ નિર્ધારિત પ્રશ્નોના જવાબ લખી શકશે.