લાલપુરના સિમેન્ટના વેપારીનો આર્થિક સંકડામણથી ઝેરી દવા પી આપઘાત
જામનગર જિલ્લાના લાલપુરમાં રહેતા સિમેન્ટના એક વેપારીએ આર્થિક સંકળામણના કારણે ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી છે. જામજોધપુર પંથકમાં જઈ ઝેરી દવા પી લીધા પછી પોતાના સંબંધીને અંતિમ ટેલિફોન કરીને રામરામ કર્યા હતા, અને પોતાના પરિવારનું ધ્યાન રાખવા જણાવ્યું હતું. તે ઓડિયો ક્લિપ લાલપુર પંથકમાં વાયરલ થઈ છે.
મૃતક પાસેથી એક પત્ર મળી આવ્યો હતો, જેમાં સિમેન્ટ કંપનીને નાણા ચૂકવવાના બાકી હતા, જેની નોટિસ આવી હોવાથી તેમજ એક અધિકારી પાસે પોતે પૈસા માંગતા હોવાથી તે પૈસા નહીં મળતાં આર્થિક સંકટ આવી જવાથી આ પગલું ભરી લીધાનું અનુમાન લગાવાયું છે, અને જામજોધપુર પોલીસ વધુ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે લાલપુરમાં રહેતા અને માધવ સિમેન્ટ નામની વેપારી પેઢી ચલાવતા રામજીભાઈ અરજણભાઈ વસર નામના 45 વર્ષના વેપારી યુવાને ગઈકાલે જામજોધપુર પંથકની હદમાં જઈને ઝેરી દવા પી લેતાં તેને બેશુદ્ધ અવસ્થા માં 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે લાલપુરની સરકારી હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા, જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવની જાણ થતાં જામજોધપુર ની પોલીસ ટુકડી લાલપુરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પહોંચી હતી, અને તપાસ કરતા તેના ખીસ્સામાંથી એક ટાઈપ કરેલો લેટર મળી આવ્યો હતો. જેમાં તેણે સિમેન્ટ કંપનીને સંબોધીને ટાઈપ કરેલું હતું, અને પૈસાની લેતી દેતી ના મામલાનો ઉલ્લેખ કર્યો હતો.
સિમેન્ટ કંપની મૃતક વેપારી પાસે પૈસા માંગતી હતી, જ્યારે મૃતક વેપારીએ સિમેન્ટ કંપનીના એક અધિકારીને વ્યક્તિગત રીતે 22 લાખની રકમ આપી હતી, અને આ રકમ સિમેન્ટ કંપની ને ચૂકવના ટાઈમે એડજસ્ટમેન્ટ કરી આપશે, તેવું જણાવ્યું હતું. પરંતુ હાલમાં પૈસાનું ચુકવણું થયું ન હોવાથી અને સિમેન્ટની કંપની મારફતે વેપારીને નોટિસ મળી હોવાથી આર્થિક સંકટના કારણે પોતે આત્મહત્યાનું પગલું ભરી રહ્યા છે, તેવું પોલીસે તારણ કાઢ્યું હતું. અને તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
મૃતક વેપારીએ પોતાના સંબંધીને અંતિમ ટેલિફોન કર્યો હતો, અને છેલ્લા રામ રામ કહીને પોતાના પરિવારનું ધ્યાન રાખવાનું કહ્યું હતું, ત્યારબાદ દવા પી લીધી હતી. સમગ્ર બનાવને લઈને લાલપુરમાં ભારે ચકચાર જાગી છે.