લાલપુરનો 210 મેગાવોટનો સોલાર પ્રોજેક્ટ ખેડૂતો અને સ્થાનિક અર્થતંત્રને આપશે વેગ: વડાપ્રધાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિકોણ અને નેતૃત્વ હેઠળ, ગુજરાત રાજ્ય સૌર ઊર્જા ક્ષેત્રે એક મોટી ક્રાંતિનું સાક્ષી બન્યું છે. 26 મેના રોજ, વડાપ્રધાનના હસ્તે કચ્છ જિલ્લાના ભુજ ખાતેથી અનેક મહત્વપૂર્ણ સૌર ઊર્જા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવ્યું, જે રાજ્યની ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવશે અને સ્થાનિક અર્થતંત્રને વેગ આપશે. આ પ્રોજેક્ટ્સ પર્યાવરણને અનુકૂળ ઊર્જાના ઉત્પાદન દ્વારા સ્વચ્છ અને હરિયાળા ભવિષ્ય માટેના ભારતના સંકલ્પને પ્રતિબિંબિત કરે છે.
વડાપ્રધાન દ્વારા જામનગરમાં ઐતિહાસિક સૌર ઊર્જા પ્રોજેક્ટનું કરાયું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કચ્છ સહિત અન્ય જિલ્લાઓમાં પણ મહત્વપૂર્ણ સૌર પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરાયું છે, જેમાં જામનગર જિલ્લાનો મુખ્ય ફાળો રહ્યો. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના બબરઝર ખાતે સરકારી ખરાબાની જમીન પર રૂૂ.887 કરોડના ખર્ચે 210 મેગાવોટનો વિશાળ સોલાર પ્રોજેક્ટ ખુલ્લો મુકવામાં આવ્યો છે.આ પ્રોજેક્ટ જામનગર જિલ્લાને સ્વચ્છ ઊર્જાના ક્ષેત્રે અગ્રેસર બનાવવામાં મદદ કરશે અને વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. આ પ્રોજેક્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે તે ખેતી, ગૌચર કે ગામતળ જેવી ફળદ્રુપ જમીનનો ઉપયોગ કર્યા વિના સરકારી ખરાબાની જમીન પર વિકસાવવામાં આવ્યો છે.આનાથી કિંમતી જમીનની બચત થશે
.આ ઉપરાંત, વીજળીના ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશનમાં થતા નુકસાન અને ખર્ચમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે. આ સોલાર પ્રોજેક્ટના લોકાર્પણથી ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી ઉપલબ્ધ થશે, અને તેમને તેમજ અન્ય વીજ ગ્રાહકોને સસ્તા દરે વીજળી મળશે. વધુમાં, પ્રોજેક્ટના દૈનિક સંચાલન અને જાળવણી થકી સ્થાનિક રોજગારીનું સર્જન થશે, જે સ્થાનિક અર્થતંત્રને વેગ આપશે.આ પ્રોજેક્ટ્સ ગુજરાતના ઉજ્જવળ અને ટકાઉ ભવિષ્ય માટે એક મજબૂત પાયો નાંખશે.