લાલિયાવાડી બંધ: સર્કલ દત્તક લેવા માટે અપસેટ પ્રાઇઝનો નિયમ
કોર્પોરેશને 11 સર્કલ ડેવલોપ માટે ટેન્ડર પ્રક્રિયા કરી, 1.51 લાખથી 4 લાખ સુધીનું પ્રીમિયમ
રાજકોટ શહેરને સુંદર બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા તમામ સર્કલોને દતક આપી ડેવલોપ કરવામાં આવી રહ્યા છે. જેના લીધે તંત્રને વર્ર્ષે કરોડો રૂપિયાની આવક થઇ રહી છે. પ્રાઇવેટ કંપનીઓ તેમજ સંસ્થાઓ દ્વારા અલગ-અલગ થીમ ઉપર સર્કલ ડેવલોપ કરી શહેરની સુંદરતામાં વધારો કરાઇ રહ્યો છે. પરંતુ સર્કલ દતક લેવા માટે આજ સુધી કોઇ ભાવ નિયત્રણ ન હતા જેના લીધે અનેક લોકો લાગવગથી તેમજ ઓછા પ્રીમિયમથી સર્કલો દતક લઇ રહ્યા હતા જેમાં હવે મોટો ફેરફાર કરી દરેક સર્કલનું લોકેશન મુજબ અપસેટ પ્રાઇઝ નક્કી કરી આ સાથેનું પ્રથમ 11 સર્કલ ડેવલોપ કરવાનુ ટેન્કર પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
મહાનગરપાલિકા દ્વારા પ્રથમ વખત સર્કલ દતક લેવા માટેના ટેન્ડરમાં અપસેટ પ્રાઇઝ નક્કી કરવામાં આવી છે. જાણવા મળેલ વિગત મુજબ ટેન્ડર પ્રક્રિયા દરમિયાન અપસેટ પ્રાઇઝ કરતા સૌથી વધુ ભાવ ભરેલ હસે તે પાર્ટીને સર્કલ ડેવલોપ માટે આપવામાં આવશે. હાલ મનપાએ 11 સર્કલો ડેવલોપ માટે ટેન્ડર કર્યુ છે જેમાં સોરઠિયાવાડી સર્કલ, જલગંગા ચોક સંત કબીર રોડ, સેટેલાઇટ ચોક પેડક રોડ, બાલક હનુમાન ચોક પેડક રોડ, આહિર સર્કલ નહેરુ નગર 80 ફૂટ રોડ, માધાપર મેઇન રોડ એઇમ્સ રોડ જંકશન સર્કલ, સ્વ.શ્રી નારાણભાઇ કુંગશીયા ચોક વોર્ડ ઓફિસ 3 સામે રેલનગર, સ્વામી નારાયણ ચોક કૃષ્ણનગર મેઇન રોડ, કોલસાવાડી સર્કલ ગેબેનસા પીર રોડ, બાપાસીતારામ ચોક મવડી મેઇન રોડ, પટેલ ચોક હરીધવા રોડ સહિતના 11 સર્કલો દતક આપવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વધુ પ્રીમિયમ મળી શકે તે માટે ટેન્ડરમાં લોકેશન મુજબ રૂા.1.51 લાખથી રૂા.4 લાખ સુધીની અપસેટ પ્રાઇઝ નક્કી કરવામાં આવી છે. સાથોસાથ સોરઠિયાવાડી સર્કલ ફુવારા સાથેની ડિઝાઇન મુજબ અને કોલસાવાડી સર્કલ પણ ફુવારા સાથે ડેવલોપ કરવાનુ રહેશે.
આજીડેમ પાસે બનશે 27.53 કરોડના ખર્ચે ફાયર સ્ટેશન
શહેરના લગભગ મોટાભાગના વિસ્તારોમાં નવા ફાયર સ્ટેશનો તૈયાર થવા લાગ્યા છે. તેવી જ રીતે શહેરનો વ્યાપ વધતા છવાળાના વિસ્તારોમાં પણ ફાયર સ્ટેશનની માંગ અને જરૂરીયાત ઉભી થતા વધુ એક ફાયર સ્ટેશન બનાવવા માટે કોર્પોરેશનને ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે. જે મુજબ વોર્ડ નં.15માં આજીડેમ ટ્રાફિક પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ ખાલી પ્લોટ ઉપર રૂા.27.53 કરોડના ખર્ચ આધુનિક ફાયર સ્ટેશનન બનાવવામાં આવશે. જેના લીધે આ વિસ્તારના તેમજ આજી જીઆઇડીસીના ઉદ્યોગોને ઝડપી સહાય ઉપલબ્ધ થશે.