લાલચ બુરી બલા, શોર્ટકટમાં પૈસા કમાવવા જતાં બિલ્ડરે ગુમાવી 1.46 કરોડની રકમ
- યુ-ટ્યુબમાં વીડિયો જોઇ કમાઇ લેવાની વૃત્તિ ભારે પડી
જૂનાગઢના એક બિલ્ડરે ઓછા દિવસોમાં વધું પૈસા કમાવવાની લાલચમાં આવીને ફોરેક્ષ ટ્રેડીંગમાં અજાણી મહિલા અને શખ્સોની વાતોમાં આવીને રોકાણ કર્યું હતું. અને બિલ્ડરને અંતે રુપિયા 1.46 કરોડથી વધુની રકમ ગુમાવવાનો વારો આવ્યો હતો.રમેશભાઇ વેલજીભાઇ પાનસુરીયોએ જૂનાગઢ સાયબર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમને જણાવેલ કે, તેઓ યુ-ટ્યૂબમાં ટ્રેડીંગને લગતા વીડિયો જોતા હતા, જેમાં નિચે કોમેન્ટ બોક્સમાં તેમને આ બાબતમાં વધું માહિતી માટે થઇને પોતાના મોબાઇલ નંબર અને ઇમેલ એડ્રેસ નાખ્યા હતા અને થોડા જ કલાકો તેમના પર એક મહિલાનો કોલ પણ આવ્યો હતો.
મહિલા પોતે બેંગ્લોર ઓફિસથી વાત કરે છે તે પ્રકારની માહિતી આપી હતી. મહિલાએ ભોગ બનનારને ઇથેરીયમ કોડમાં રોકાણ કરવાની સલાહ આપી હતી. ત્યારબાદ અબ્દુલ્લા નામના શખ્સનો પણ ફોન આવ્યો હતો અને તેને રીલેશનશીપ મેનેજરની ઓળખ આપી હતી. તેમજ તેમની હેડ ઓફિસ સાઉથ આફ્રિકામાં આવેલી છે અને તેમની કંપનીમાં ગૌતમ અદાણીની કંપનીએ પણ રોકાણ કર્યું છે, તે પ્રકારની માહિતી આપી હતી.
તે શખ્સે તેમને ઇથેરીય કોડને બદલે ક્રુડ ઓઇલ, ફોરેક્ષ ટ્રેડીંગમાં રોકાણ કરવામાં માટે લોભામણી લાલચ આપી હતી. તેમજ મહિલાએ આ ટ્રેડીંગ માટે ભોગબનનારને મિનીમમ 250 ડોલરનું એકાઉન્ટ બનાવવાનું કહ્યું હતું.ત્યારબાદ તેમણે રમેશભાઇ પાસેથી અલગ અલગ સમયે નવા સેરમાં રોકાણ કરવાની લાલચની બેંક એકાઉન્ટ બનાવરાવીને ઓનલાઇન પૈસા જમા કરાવડ્યા હતા. તે રકમ પરત ન કરાતા તેમની સામે છેતરપીંડી થઇ હોવાનો અહેસાસ થતા તેમણે પોલીસ ફરીયાદ નોંધાવી હતી. રમેશ ભાઇ પાસેથી કુલ રુપિયા 1,46,20,144 જેટલી ઓનલાઇન ટ્રાન્સફર કરાવીને છેતરપીંડી આચરવામાં આવી હતી.