ઉતરાયણ પહેલાં લહાણી; નવી નવ મનપાને રૂા.180 કરોડની ફાળવણી
રાજકોટ કોર્પોરેશનને મોરબી-ગાંધીધામ મનપાના મેન્ટર તરીકે જવાબદારી આપતા મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, રાજ્યના ઇતિહાસમાં એક સાથે 9 નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂૂપાંતરિત કરવાનો નિર્ણય આયોજનબદ્ધ શહેરી વિકાસની ગતિ માટેની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. રાજ્યમાં તાજેતરમાં રચાયેલી 9 મહાનગરપાલિકાના કમિશનરઓ, વહીવટદારઓ તેમજ અન્ય અધિકારીઓની ગાંધીનગરમાં યોજાયેલી એક દિવસીય કાર્યશાળામાં અધ્યક્ષીય સંબોધન કર્યું હતું. નવી રચાયેલી મહાનગર પાલિકાઓને 20 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
તેમણે ઉમેર્યું કે, લોકોમાં હવે વિકાસ માટેની જાગૃતિ આવી છે. એટલું જ નહિં, તેમને આજના બદલાતા યુગમાં પબ્લિક ડિલિવરી અને સર્વિસીસ પણ અસરકારક રીતે જોઈએ છે. આ સંદર્ભમાં રાજ્ય સરકારે આયોજનબદ્ધ શહેરી વિકાસને વેગ આપવા નવી 9 મહાનગરપાલિકાઓની રચના કરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર નવી રચાયેલી મહાનગરપાલિકાઓની વહીવટી ક્ષમતા વૃદ્ધિ તેમજ રોજબરોજની વહીવટી કામગીરીમાં યોગ્ય માર્ગદર્શન અને મેનપાવર ટ્રેનિંગ માટે હાલની પાંચ મોટી મહાનગરપાલિકાઓને 1 વર્ષ સુધી નવી મહાનગરપાલિકાઓના મેન્ટર તરીકે કાર્યરત કરવાનો નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર, અમદાવાદ મહાનગરપાલિકા નવરચિત નડિયાદ અને સુરેન્દ્રનગર મહાપાલિકા માટે, વડોદરા મહાનગરપાલિકા આણંદ મહાપાલિકા માટે, સુરત મહાનગરપાલિકા વાપી અને નવસારી માટે તથા રાજકોટ મહાનગરપાલિકા મોરબી અને ગાંધીધામ માટે તેમજ જામનગર મહાનગરપાલિકા પોરબંદર માટે અને ગાંધીનગર મહાનગરપાલિકા મહેસાણા માટે મેન્ટર તરીકે કાર્યરત રહેશે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, મહાનગરપાલિકાની રચના થયા બાદ નાગરિકોને સ્પષ્ટ દેખાઈ આવે તેવો બદલાવ રોડ-રસ્તા, પાણી, ડ્રેનેજ, લાઈટ તથા બાગ-બગીચા જેવા સુવિધાકારી કામોથી હાથ ધરવાનું દાયિત્વ નવનિયુક્ત કમિશનરોએ નિભાવવાનું છે. નવી મહાનગરપાલિકાઓ પોતાના નગરોના વિકાસનો રોડ મેપ તૈયાર કરે. એટલું જ નહિં, વિકાસ કામો માટે નાણાંની જરૂૂરિયાત અંગે પણ રાજ્ય સરકારમાં રજૂઆત કરે.
મુખ્યમંત્રીએ નવી રચાયેલી પ્રત્યેક મહાનગરપાલિકાઓને વહીવટી ક્ષમતા વૃદ્ધિ, ઓફિસ સ્ટ્રેન્થનીંગ તથા અન્ય સુવિધાઓ માટે રૂૂ.10 કરોડ અને શહેરી સફાઈ સહિતના સિટી બ્યુટીફિકેશન કામો માટે રૂૂ.10 કરોડ મળીને કુલ 20 કરોડ રૂૂપિયા ફાળવવાની મંજૂરી આપી હતી.
આ એક દિવસીય કાર્યશાળામાં ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર જનરલ આઈ. પી. ગૌતમે શહેરોના ભવિષ્યલક્ષી આયોજન અને વિકાસ સંભાવનાઓ વિશે માર્ગદર્શક વ્યાખ્યાન આપ્યું હતું. શહેરી વિકાસ અગ્ર સચિવ અશ્વિનીકુમારે આ કાર્યશાળાનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કરતાં કહ્યું કે, રાજ્ય સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં શહેરી વિકાસને ગતિ આપતા ત્વરિત નિર્ણયો કર્યા છે.