કેશોદમાં નવા બનતા અંડરબ્રિજના ખાડામાં પડી જતાં શ્રમિક યુવકનું મોત
વહીવટી મંજૂરીના વાંકે બંધ પડેલ પ્રોજેકટે યુવાનનો ભોગ લીધો
કેશોદના ચારચોક વિસ્તારમાં આવેલા રેલ્વે ફાટક પર ટ્રાફિક સમસ્યા હલ કરવા અને ફાટક મુકત કરવા ખાતમુહુર્ત કર્યા પછી ચાલતાં અંડરબ્રીજના કામમાં આજે વહેલી સવારે શ્રમિક પડી જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનતાં મોતને ભેટયા હતાં.
કેશોદના ચારચોક રેલ્વે ફાટક પાસે આવેલ પ્રોવિઝન સ્ટોરના ઓટા પર સુતેલા વિજયભાઈ કાનાભાઈ ચારોલીયા ઉમર વર્ષ 40,રહેવાસી કોર્ટ પાછળ કેશોદ, છૂટક મજૂરી કામ કરતાં હોય કોઈ પણ કારણોસર પડી જતા અંડરબ્રીજના સળીયા ખિલાસરી છાતીના ભાગેમાધુસી જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનતાં સ્થળ પર જ મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
વહેલી સવારે પસાર થતાં રાહદારીઓ અને વેપારીઓને આ ઘટના ધ્યાને આવતાં 108 તાત્કાલિક એમ્બ્યુલન્સ સેવાનેજાણ કરતાં વિજયભાઈ કાનાભાઈ ચારોલીયાનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો અને પોસ્ટમોર્ટમ માટે કેશોદ સબ ડિસ્ટ્રીક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. કેશોદ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. કેશોદના ચારચોક વિસ્તારમાં વહેલી સવારે બનેલી ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં ટોળેટોળાં ઉમટી પડયા હતાં. કેશોદના ચારચોક વિસ્તારમાં ચાલતાં અંડરબ્રીજના કામમાં વહીવટી મંજૂરીના વાકે કામ ખોરંભે પડયું છે ત્યારે આજે એક નિદોર્ષ શ્રમજીવીએ જીવ ગુમાવતાં ગોઝારો પુરવાર થયો છે.