ક્ષત્રિય સમાજ દ્વારા પી. ટી. જાડેજાની ધરપકડના વિરોધમાં રેલી યોજી આવેદન પાઠવાયું
રાજપુત સમાજને થઈ રહેલા અન્યાય તેમજ રાજપૂત સમાજના અગ્રણી પી.ટી. જાડેજાની કરવામાં આવેલી ધરપકડ તથા તેમની સામે હાથ ધરવામાં આવેલી પાસાની કાર્યવાહી સંદર્ભે સમગ્ર રાજ્ય સાથે જામનગરમાં પણ વિરોધ જોવા મળ્યો હતો, જેને અનુલક્ષીને આજ રોજ બપોર બાદ જામનગર શહેરમાં પણ જય ભવાની અને રાજપૂત શક્તિ જિંદાબાદ ના નારા સાથે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ક્ષત્રિય સમાજ દ્વારા રેલી યોજવામાં આવી હતી.
બપોરે 4 વાગ્યે જામનગરમાં ક્રિકેટ બંગલો નજીક આવેલા મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી સૌ પ્રથમ બાઈક રેલીનો પ્રારંભ થયો હતો, જેમાં બહોળી સંખ્યામાં બન્ને જિલ્લાના ક્ષત્રિય આગેવાનો જોડાયા હતા, અને જય ભવાની તેમજ ક્ષત્રિય સમાજ જીંદાબાદ ના નારા સાથે સ્કૂટર રેલી નગરના માર્ગો પર ફરીને જિલ્લા કલેકટર કચેરીએ પહોંચી હતી.ત્યારબાદ પગપાળા ચાલીને ક્ષત્રિય આગેવાનો અને બહેનો વગેરે રેલી સ્વરૂૂપે કલેકટર કચેરીએ પહોંચ્યા હતા, અને મુખ્ય આગેવાનો દ્વારા જિલ્લા કલેકટરને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
આ રેલીમાં સમગ્ર હાલાર પંથકના રાજપૂત સમાજના-આગેવાનો, હોદ્દેદારો તેમજ કાર્યકરો જામનગર રાજપૂત-સેવા સમાજ ના ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં જોડાયા હતા.