જેતપુરના થાણાગાલોલ ગામે કોળી યુવાનની હત્યા
વેલનાથ મંદિરે માંડવાના ખર્ચના પૈસા બાબતે સવા વર્ષથી ચાલતા ડખાના કારણે બની ઘટના: યુવાનને ચર્ચા કરવા બોલાવી પડખામાં છરીના ઘા ઝીંકી દીધા
રાજકોટ જિલ્લામાં ગુનાખોરીનો ગ્રાફ દિવસને દિવસે વધતો જાય છે ત્યારે જેતપુરના થાણા ગાલોલ ગામે સવા વર્ષથી વેલનાથ મંદિરના માંડવાના ખર્ચના પૈસા બાબતે ચાલતા ડખ્ખાના કારણે કોળી યુવાને રાત્રિના ચર્ચા કરવા બોલાવી પડખામાં છરીના ઘા ઝીંકી હત્યા કરી આરોપી નાસી છુટયાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, જેતપુરના થાણા ગલોલ ગામે રહેતા મિલનભાઈ મગનભાઈ મકવાણા (ઉ.29) નામના યુવાને પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે થાણા ગાલોલ ગામના અશોક વજુભાઈ મકવાણાનું નામ આપ્યું છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગઈકાલે રાત્રે ફરિયાદીનો મોટાભાઈ રણજીત મગનભાઈ મકવાણા રાત્રે સાડા નવ વાગ્યે ઘરે આવ્યા હતાંત્યારબાદ ફોન આવતાં ફરી ઘરની બહાર જતાં રહ્યા હતાં. બાદમાં ફરિયાદીના મિત્ર વિજય ઉર્ફે જગ્ગા કાનજી કીડીયાનો ફોન આવ્યો અને ફરિયાદીને કહેલ કે તારો ભાઈ રણજીત અને અશોક મકવાણા મેલડી માતાના મંદિર પાસે ઝઘડો કરે છે.
આ વાત મળતાં જ ફરિયાદી બાઈક લઈને મેલડી માતાના મંદિર પહોંચ્યા ત્યારે તેનો ભાઈ રણજીત લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પડયો હતો અને આરોપી અશોક વજુભાઈ મકવાણા ફરિયાદીને જોઈ તેનું બાઈક લઈ નાસી ગયો હતો.બીજી બાજુ ગંભીર રીતે ઘવાયેલા રણજીત મગનભાઈ મકવાણાને સારવાર અર્થે જેતપુરની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતાં. પરંતુ તેનું સારવાર મળે તે પહેલા જ મૃત્યુ નિપજ્યું હતું. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે સવા વર્ષ પહેલા થાણા ગાલોલ ગામે સમસ્ત કોળી સમાજ દ્વારા વેલનાથ મંદિરે માંડવાનું આયોજન કર્યુ હતું. જેમાં માંડવાના ખર્ચ માટે કમીટી બનાવેલ હતીં.
વેલનાથ મંદિરે યોજાયેલ માંડવાના ખર્ચનો વહીવટ રણજીતભાઈ પાસે હોય અને માંડવામાં થયેલ ખર્ચ બાબતે અવારનવાર આરોપી અશોક મકવાણ્ હિસાબ માંગી કહેતો હતો કે તું માતાજીના માંડવામાં થયેલ ફાળાના પૈસા ખાઈ ગયો છે જે બાબતે અવારનવાર ઝઘડા કરતો હતો. ગઈકાલે રાત્રે રણજીત ઘરે આવ્યો ત્યારે આરોપી અશોકે તેને ફોન કરી માંડવાના ખર્ચ બાબતની ચર્ચા કરવા મેલડી મંદિરે બોલાવ્યો તો જ્યાં ફરી ઝઘડો થતાં ઉશ્કેરાયેલા આરોપીએ રણજીતને પડખામાં છરીના ઘા ઝીંકી દીધા હતાં.
આ બનાવ અંગે જેતપુર તાલુકા પોલીસે ભારતીય ન્યાય સહિતાની કલમ 103(1) અને 135 હેઠળ ગુનો નોંધી વિશેષ તપાસ પીએસઆઈ આર.એ.જાડેજા સહિતનો સ્ટાફ ચલાવી રહ્યો છે અને આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.