પતંગ ઉડાડનારા આનંદો, ઉત્તરાયણમાં ઠંડીના જોર સાથે પવન પણ વધારે રહેશે
આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે, હવામન ખાતાની આગાહી
રાજ્યમાં ઠંડીનો માહોલ જામશે. કેમ કે આજથી રાજ્યના તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો આવશે. જેને લઈને ઠંડી વધશે. તો 24 કલાકમાં 2 ડિગ્રી તાપમાન વધવાની શકયતા સાથે ઉત્તરાયણ પર ઠંડી સાથે પવન પણ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસે જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. જ્યારે આજથી 2 ડિગ્રી તાપમાન ઘટશે અને બાદમાં 4 ડિગ્રી સુધી તાપમાન ઘટશે. તાપમાન ઘટતા ઠંડી વધશે. હવામાન વિભાગે જણાવ્યું કે હાલ અમદાવાદમાં 15 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું . તો હાલ પૂર્વથી દક્ષિણ પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે.
આ સાથે હવામાન વિભાગે અમદાવાદ અને આસપાસ વિસ્તારમાં 16 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગે નોંધ્યું છે કે સાયકલોનીક સર્ક્યુલેશનના કારણે વાતાવરણ માં પલટો આવી રહ્યો છે. તો આ સાથે હવામાન વિભાગે 14 જાન્યુઆરીએ ઠંડી સાથે પતંગ રસિયાઓ માટે પવન વાળો માહોલ રહેવાની પણ શકયતા વ્યક્ત કરી છે.
રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે ત્યારે 24 કલાકમાં તાપમાન ઘટતા ફરી ઠંડી વધશે. ગઈકાલે નલિયામાં સૌથી ઓછું 6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદ 15 ડિગ્રી અને ગાંધીનગર 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અને ડીસા 12 ડિગ્રી, ભુજ 11 ડિગ્રી આસપાસ તાપમાન રહ્યું છે. ત્યારે સાયકલોનીક સર્ક્યુલેશનના કારણે તાપમાનમાં ફેરફાર જોવા મળ્યો છે.
બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઠંડીની આગાહી કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં 14, 15, 16 જાન્યુઆરી ઠંડીથી રાહત મળશે. દક્ષિણ ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન 20 ડિગ્રી થશે. રાજ્યમાં રાજ્યમાં ન્યૂનતમ તાપમાનમાં વધારો થશે. જેમાં મહતમ તાપમાન 34 ડિગ્રીથી વધુ થઈ શકે છે. આ ઉપરાંત તારીખ 14 થી 18 જાન્યુઆરી રાજ્યમાં વાદળો રહેશે. જેને લઇ વાદળ હોવાથી ઠંડીમાં રાહત મળશે.