ધર્મેન્દ્રસિંહજી ગ્રાઉન્ડમાં કાલે પતંગ મહોત્સવ
ગ્રીસ-ઇટલી-લેબનોન-પોલેન્ડ-નેધરલેન્ડ-યુ.કે.-યુ.એસ.એ. સહિતના દેશોના પતંગબાજો કાંડાનું કૌવત બતાવશે
દર વર્ષે રાજ્યના વિવિધ શહેરોમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજવાની શરૂૂઆત કરવામાં આવેલ હતી. જે મુજબ આ વર્ષે પણ રાજ્ય સરકારશ્રી દ્વારા રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2025 રાજકોટ ખાતે આવતીકાલે તા.12/01/2025 રવિવારના રોજ સવારે 09:00 કલાકે, ધર્મેન્દ્રસિંહજી કોલેજ(ડી.એચ. કોલેજ)ના ગ્રાઉન્ડ ખાતે યોજાશે. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શુભારંભ રાજકોટના સાંસદ પરસોતમભાઈ રૂૂપાલાના વરદ્દ હસ્તે કરવામાં આવશે તેમજ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2025માં ગ્રીસ, ઈટલી, લેબનોન, લીથુઅનિયા, પોલેન્ડ, નેધરલેન્ડ, પોર્ટુગલ, રિયુનિયન, રશિયન ફેડરેશન, સાઉથ આફ્રિકા, સ્પેન, સ્વિત્ઝરલેન્ડ, યુનાઈટેડ કિંગડમ, યુનાઈટેડ સ્ટેટ્સ, વિયેતનામ સહિત વિવિધ દેશો તથા ભારતના પંજાબ અને રાજસ્થાન સહિત વિવિધ રાજ્યોના પતંગવીરો ભાગ લેશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2025ના અનુસંધાને આયોજન અને વ્યવસ્થાને આખરી ઓપ આપવા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે.
આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2025માં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, ગુજરાત પ્રવાસન નિગમના કમિશનર અને મેનેજિંગ ડીરેક્ટર સાઈડીંગપુઈ છાકછુઆક, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, ડો.માધવભાઈ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, સમાજ કલ્યાણ સમિતી ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો, અધિકારી-કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહેશે.
રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ શહેરીજનોને આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2025 નિહાળવા ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવેલ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદથી તિરંગા બલૂનને આકાશમાં ઉડાડીને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2025નો શાનદાર પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, દર વર્ષે દેશ અને દુનિયાના એમ્બેસેડર્સ આ પતંગ મહોત્સવ જોવા ગુજરાત આવે છે. આ વર્ષે કુલ 11 જેટલા દેશોના એમ્બેસેડર ગુજરાત આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વોકલ ફોર વોકલ અભિયાન પતંગોત્સવમાં આવતા પ્રવાસીઓથી ખુબ મોટો વેગ મળ્યો છે. આ ઉત્સવ દરમિયાન ફૂડ સ્ટોલ અને ક્રાફ્ટ સ્ટોલ ધારકોને લાખો રૂૂપિયાની આવક થાય છે. એટલું જ નહિ, ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલમાં ગયા વર્ષે સાડા પાંચ લાખથી વધુ લોકો જોડાયાં હતા. આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 47 દેશોમાંથી 143 પતંગબાજો અને ભારતના અન્ય 11 રાજયો માંથી 52 જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યમાંથી પણ 11 જેટલા શહેરોમાંથી 417 જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. જેમાં 55 દેશોના 153 આંતરરાષ્ટ્રીય પતંગબાજો, 12 રાજ્યોના 68 રાષ્ટ્રીય પતંગબાજો, ગુજરાતનાં 23 શહેરોના 865 પતંગબાજોએ ભાગ લીધો છે.