ખ્યાતિ હોસ્પિટલે 3513 ઓપરેશન કરી 40 કરોડ ખંખેરી લીધા
2021 થી ગામડાંઓમાં નિદાન કેમ્પો યોજી એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીના કરતૂતો કરતા, તપાસનો ધમધમાટ
અમદાવાદના એસજી હાઇવે પર આવેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલે મેડિકલ કેમ્પ કરી 19 લોકોના ઓપરેશન કર્યા હતા, જેમાં બે વ્યક્તિના મોત નિપજ્યા હતા. ખ્યાતિકાંડમાં ડોક્ટરો અને જવાબદાર સામે વસ્ત્રાપુર અને કડી પોલીસે ફરિયાદ નોંધી હતી. આ મામલે પોલીસે તપાસ કર્યા બાદ ડો. પ્રશાંત વજીરાણીની ધરપકડ કરી હતી. શનિવારે પોલીસે પીએમજેએવાય અને આરોગ્ય વિભાગ સાથે કલાકો સુધી મીટિંગ કરી હતી.પોલીસે હોસ્પિટલ દ્વારા કરાયેલા ઓપરેશન તથા યોજના હેઠળ કેટલા નાણાંની કમાણી કરી તેની માહિતી માગી હતી. જેમાં હોસ્પિટલ વર્ષ 2021માં શરૂૂ થયા બાદ એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીના 3513 ઓપરેશન કર્યા હોવાની માહિતી ખૂલી છે. હોસ્પિટલના સત્તાધીશો દ્વારા આ ઓપરેશન હેઠળ સરકારી યોજનાનો લાભ લેવામાં આવ્યો હતો. જે હેઠળ 40 કરોડથી વધુ રૂૂપિયાની કાળી કમાણી કરી હોવાનું સામે આવ્યું છે.ખ્યાતિકાંડનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે પોલીસે આ કેસમાં તપાસ માટે આરોગ્ય વિભાગની મદદ માગી હતી. જેથી આ કેસમાં હવે આગામી દિવસોમાં કાર્ડિયોલોજીસ્ટ સહિતના નિષ્ણાતોની ટીમ પણ જોડાશે. જે બાદ અનેક રહસ્યો પરથી પરદો ઉંચકાય તેવી શક્યતા છે.
ખોટી રીતે દર્દીઓની એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરનારી ખ્યાતિ હોસ્પિટલની અનેક કાળી કરતૂતો સામે આવી છે. ડોક્ટરોએ ખોટા ઓપરેશન કરતા બે લોકોનાં મોત નિપજવા મામલે કમિટીએ એક રિપોર્ટ તૈયાર કર્યો હતો. જે રિપોર્ટ આધારે વસ્ત્રાપુર અને કડી પોલીસે કુલ ત્રણ ફરિયાદ નોંધી હતી. આ તમામ ફરિયાદની વસ્ત્રાપુર પોલીસ પાસે તપાસ છે. ત્યારે પોલીસે આરોગ્ય વિભાગ સાથે મીટિંગ કર્યા બાદ અનેક ચોંકાવનારી હકીકતો સામે આવી છે. આ હોસ્પિટલના સત્તાધીશો જ કેમ્પનું આયોજન કરતા હતા. કયા દર્દીઓ પર ખોટી રીતે સર્જરી કરવી તે પણ સત્તાધીશો ડોક્ટરને કહેતા હતા. હોસ્પિટલ દ્વારા વર્ષ 2021થી અનેક ગામડાંમાં કેમ્પ યોજીને કુલ 3513 એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી હોવાનું સામે આવ્યું છે. જેમાં પીએમજેએવાય યોજના હેઠળ 40 કરોડની કાળી કમાણી કરી છે.
પોલીસે ડો. પ્રશાંતની પૂછપરછ કરતા આ કૌભાંડમાં ડાયરેક્ટર ડો. કાર્તિક પટેલ, ડો. સંજય પટોલિયા, રાજશ્રી કોઠારી, ચિરાગ રાજપૂત (સીઇઓ) તથા અન્ય લોકોની સંડોવણી સામે આવી છે. જોકે અનેક દિવસો બાદ પણ ડો. પ્રશાંત સિવાય એક પણ આરોપી ઝડપાયો નથી. ત્યારે ડિરેક્ટર ચિરાગ રાજપૂત આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હોવાનું પણ સામે આવ્યું છે. ચિરાગ રાજપૂત કેમ્પનું આયોજન કરતો હતો. ત્યારબાદ કઇ સર્જરી કરવી અને ખોટી રીતે નાગરિકોના ઓપરેશન કરવા જેવા નિર્ણયો લેવામાં મુખ્ય ભૂમિકા ચિરાગ રાજપૂતની રહેતી હતી.શહેરમાં કોઇ પણ મોટી ઘટના બને કે મોટા વિવાદ સર્જાય ત્યારે તપાસમાં ક્રાઇમબ્રાંચ ઝંપલાવતી હોય છે. ખ્યાતિ હોસ્પિટલ કેસમાં એક આરોપી વિદેશ ભાગી ગયો છે. બીજીબાજુ એસઆઇટીનો અભાવ હોવાથી માત્ર વસ્ત્રાપુરના ગણ્યાગાંઠ્યા સ્ટાફ દ્વારા મોટા કેસની તપાસ થઇ રહી છે. આ કેસમાં સરકારની દિશા મુજબ તપાસ થતી હોવા છતાંય ક્રાઇમબ્રાંચ પહેલેથી જ દૂર રહેતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.
પાસપોર્ટ ઓફિસ પાસે આરોપીની માહિતી માગી
ફરાર આરોપીઓમાં એક આરોપી ઓસ્ટ્રેલિયા છે. અન્ય આરોપીઓ પણ વિદેશ ભાગી જાય તે શંકાના આધારે પોલીસે લુક આઉટ નોટિસ ઇસ્યૂ કરવાની જાણ કરી હતી. ત્યારે હવે આ મામલે પોલીસે ફરાર આરોપીઓના પાસપોર્ટ અંગે પણ ઇન્ક્વાયરી શરૂૂ કરી છે. પોલીસે પાસપોર્ટ ઓફિસને લેટર લખીને આ તમામ આરોપીઓના પાસપોર્ટની પણ માહિતીઓ માગી છે.