રાજ્યમાં 18.20 લાખ હેકટરમાં ખરીફ વાવેતર, 21.38 ટકા લક્ષ્યાંક પૂર્ણ
ગુજરાતમાં ચોમાસાની ઋતુ એ કૃષિ માટે અત્યંત મહત્વપૂર્ણ સમયગાળો ગણાય છે. જૂનના મધ્યથી મેઘસવારીના આગમન સાથે સમગ્ર રાજ્યમાં ખેતીકામ જીવંત બની જાય છે અને ખેડૂતોની ખેતર ખેડવાની શરુઆત થઈ જાય છે. ચોમાસાની શરૂૂઆત સાથે ખરીફ પાકની વાવણીનો સઘન સમયગાળો શરૂૂ થાય છે. રાજ્યના વિવિધ વિસ્તારમાં જમીનની બનાવટ, પાણીની ઉપલબ્ધતા અને આબોહવા જેવા પરિબળોના આધારે અલગ-અલગ પ્રકારના પાકોની વાવણી કરવામાં આવે છે.
ખરીફ પાકોમાં મુખ્યત્વે મગફળી, કપાસ, બાજરી, જુવાર, સાંયાબીન, તમાકુ, તુવેર અને મગની વાવણી થાય છે. ગુજરાતના કૃષિ તંત્ર માટે ખાસ કરીને મગફળી અને કપાસની વાવણી મહત્વ ધરાવે છે, કારણ કે તે રાજ્યની અર્થવ્યવસ્થાને પણ અસર કરે છે અને ખેડૂતો માટે આવકનું મુખ્ય સ્ત્રોત ગણાય છે.
ગુજરાતના વિવિધ વિસ્તારમાં ખરીફ સીઝનમાં જુદા જુદા પાકો વવાય છે, પણ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખાસ કરીને મગફળી અને કપાસનું મોટાપાયે વાવેતર થાય છે. આ બંને પાકો માટે અહીંની જમીન, વરસાદી માહોલ અને ખેડૂતોએ વિકસાવેલી ખેતી પદ્ધતિઓ અનુકૂળ છે. ખાસ કરીને મગફળી માટે સૌરાષ્ટ્ર જાણીતું છે અને વર્ષોથી અહીં મોટી હદે મગફળીનું ઉત્પાદન થાય છે.રાજ્ય સરકાર અને કૃષિ વિભાગ દ્વારા 2025 માટે જાહેર કરાયેલા આંકડા અનુસાર, 23 જૂન સુધીમાં ગુજરાતમાં કુલ મળીને 85.57 લાખ હેક્ટર ક્ષેત્રફળમાં ખરીફ પાકનું વાવેતર થવાનું નિર્ધારિત છે. તે પૈકી અત્યાર સુધીમાં 18.20 લાખ હેક્ટરમાં વાવણી પૂર્ણ થઈ ચૂકી છે, જે લગભગ 21.38 ટકા થાય છે.મગફળી માટે રાજ્યમાં કુલ 17.50 લાખ હેક્ટરનું લક્ષ્યાંક નક્કી કરાયું છે.
જેમાંથી અત્યાર સુધીમાં 9.06 લાખ હેક્ટરમાં મગફળીની વાવણી થઈ ગઈ છે જે કુલ લક્ષ્યાંકના આશરે 51.75 ટકા થાય છે. આ આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે મગફળીની વાવણી ખૂબ ઝડપથી થઈ રહી છે અને ખેડૂતો તેનો વધુ લાભ લેવા ઉત્સુક છે.કપાસ ગુજરાત માટે ઔદ્યોગિક મહત્વ ધરાવતો મુખ્ય પાક છે. રાજ્યમાં કપાસનું કુલ લક્ષ્યાંક વિસ્તાર 25.34 લાખ હેક્ટર છે. જેમાંથી અત્યાર સુધીમાં લગભગ 7.57 લાખ હેક્ટરમાં કપાસની વાવણી થઈ ગઈ છે જે આશરે 29.90 ટકા થાય છે.
