ખંભાળિયા: પ્રથમ સત્રાંત પરીક્ષામાં વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપી બોર્ડની પરીક્ષાનો ડર દૂર કરવા પ્રયાસ
રૂપામોરા અને ફોટડી પ્રાથમિક શાળા દ્વારા બોર્ડની પરીક્ષા વ્યવસ્થાથી અવગત કરવાનો પ્રયાસ
ધોરણ 10 અને 12 ના બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતાનો માહોલ જોવા મળતો હોય છે. કારણ કે બોર્ડ દ્વારા લેવામાં આવતી પરીક્ષા પદ્ધતિથી અવગત હોતા નથી. હોલ ટીકીટ અને બેઠક વ્યવસ્થાના કારણે ડરનો માહોલ જોવા મળે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાની બે પ્રાથમિક શાળાઓ દ્વારા ધોરણ 3 થી 8 ની પ્રથમ સત્રાંત પરીક્ષામાં એક નવો પ્રયોગ કરવામાં આવ્યો છે. બાળકોને હોલ ટીકીટ આપી બોર્ડની પરીક્ષાની જેમ જ બેઠક વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં પ્રથમ સત્રાંત પરીક્ષા શરૂૂ થઈ છે. ત્યારે ભાણવડ તાલુકામાં આવેલી રૂૂપામોરા પ્રાથમિક શાળા તેમજ ફોટડી પ્રાથમિક શાળામાં બાળકોને પ્રાથમિક કક્ષાએથી જ હોલ ટિકિટ દ્વારા પરીક્ષા આપવાનો અનુભવ થાય તેમજ બોર્ડની પરીક્ષાનો ડર દૂર થાય ઉપરાંત સરકાર દ્વારા લેવામાં આવતી વિવિધ પરીક્ષાઓ જેવી કે ઈઊઝ, ગખખજ, ઙજઊ, જ્ઞાન સાધના, નવોદય વિદ્યાલય, ચિત્રકામ, સ્પર્ધાત્મક પરીક્ષામાં બેઠક વ્યવસ્થા કેવા પ્રકારની હોય? અને હોલ ટિકિટનું મહત્વ શું છે? તે અંગેની સમજણ કેળવે એવા આશય સાથે શાળાના આચાર્ય અને સ્ટાફ દ્વારા સત્રાંત પરીક્ષામાં જ હોલ ટીકીટ, બેઠક વ્યવસ્થા અંગેનું આયોજન કરવામાં આવ્યું છે.
આ હોલ ટિકિટમાં બેઠક નંબર, બ્લોક નંબર, પરીક્ષાનું સ્થળ, પરીક્ષાનું સમય પત્રક, પરીક્ષાર્થીની સહી, ખંડ નિરીક્ષકની સહી જેવી બોર્ડની હોલ ટિકિટમાં આવતી બાબતો આવરી લેવામાં આવી છે. આ ઉપરાંત પરીક્ષાર્થી માટેના અગત્યના સૂચનો પણ આ હોલ ટિકિટમાં દર્શાવવામાં આવ્યા છે.