For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખંભાળિયા બન્યું શિવમય: તમામ શિવ મંદિરોમાં શિવભક્તોના ઘોડાપૂર ઉમટ્યા

11:17 AM Mar 08, 2024 IST | Bhumika
ખંભાળિયા બન્યું શિવમય  તમામ શિવ મંદિરોમાં શિવભક્તોના ઘોડાપૂર ઉમટ્યા

ભગવાન શિવના મહાપર્વ એવા મહાશિવરાત્રીની આજરોજ ખંભાળિયામાં અનેરા ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શહેર તથા આસપાસના અનેકવિધ નાના-મોટા શિવ મંદિરોમાં આજે વહેલી સવારે ચઢતા પહોરથી જ શિવભક્તોની ભીડ જોવા મળી હતી. દિવસ દરમિયાન તમામ મંદિરોમાં પૂજન-અર્ચન, મહા આરતી, ઘી ની મહાપૂજા, દીપમાળા સહિતના વિવિધ દર્શન યોજવામાં આવ્યા હતા.

Advertisement

અહીંના આશરે પાંચ સદી જુના શ્રી ખામનાથ મહાદેવ મંદિરે શિવરાત્રી પર્વ નિમિત્તે પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દિવસ દરમિયાન વિવિધ દર્શન તેમજ પૂજન અર્ચન વચ્ચે સવારે ખામનાથ મહાદેવની વરણાંગીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ શિવ શોભાયાત્રા (વરણાંગી) અહીંની રંગ મોલ સ્કૂલ પાસેથી શરૂ થઈ શહેરના વિવિધ માર્ગો પર ફરી અને બપોરે ખામનાથ મહાદેવ મંદિર ખાતે સંપન્ન થઈ હતી.જેમાં મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા. આ વરણાંગીને ભૂદેવો દ્વારા સંચાલિત કરી ખાસ ભાવ પ્રગટ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત અહીંના પ્રાચીન એવા શ્રી રામનાથ મહાદેવના મંદિર ખાતે પણ દીપમાળાના અલભ્ય દર્શન તેમજ ચાર પ્રહરની આરતીમાં ખૂબ મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા. આ સાથે અહીંના શ્રી શરણેશ્વર મહાદેવ, પાળેશ્વર મહાદેવ, સુખનાથ મહાદેવ ભીડભંજન મહાદેવ, વિદ્યાશંકર મહાદેવ (મહાદેવ વાડો), જલારામ મંદિર પરિસરમાં આવેલા શ્રી રામેશ્વર મહાદેવ, કોટા ગામે આવેલા કોટેશ્વર મહાદેવ, વડત્રા ગામે આવેલા ધિંગેશ્વર મહાદેવ વિગેરે શિવ મંદિરોમાં આજે વહેલી સવારથી જ "હર હર મહાદેવ" "બમ બમ ભોલે"ના ગગન ભેદી નાદ સાથે લોકોએ જળ, દૂધ, પુષ્પ, બિલ્વપત્ર વિગેરે વડે ભગવાન ભોળાનાથની ભક્તિ કરી, પુણ્યનું ભાથું બાંધ્યું હતું.

Advertisement

સતવારા વાડ ખાતે એકતા યુવક મંડળનું ભવ્ય આયોજન

ખંભાળિયાના સતવારા વાડ ખાતે સેવાભાવી યુવા કાર્યકરો દ્વારા દર વખતની જેમ આ વખતે પણ શિવરાત્રી પર્વ નિમિત્તે બર્ફાની બાબા અમરનાથની ગુફાનો સુંદર ફ્લોટ તૈયાર કરવામાં આવ્યો છે. આકર્ષક રોશની તેમજ સંગીતસભર આ ફ્લોટને મોટી સંખ્યામાં નગરજનોએ નિહાળી આયોજનને બિરદાવ્યું હતું.

આ ઉપરાંત આજરોજ રાત્રે 9 વાગ્યે એકતા યુવક મંડળ દ્વારા આ સ્થળે મોરબીના જાણીતા કનૈયા કલા કેન્દ્ર દ્વારા આયોજિત કોમેડી નાટક "વહુ માથાની મળી" ભજવવામાં આવશે. જે નિહાળવા જાહેર જનતાને આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement