"ખંભાળિયાના ભજીયા એટલે વર્લ્ડ ફેમસ" મુકેશ અંબાણીએ મેસુબનો અને ભજિયાંનો સ્વાદ માણ્યો
આગામી તારીખ 1 થી 3 માર્ચ સુધી વિશ્વના પ્રથમ હરોળના બિઝનેસમેન અને ઉદ્યોગપતિ મુકેશભાઈ અંબાણીના સુપુત્ર અનંત અંબાણીના પ્રી-વેડિંગ સેલિબ્રેશનનું અતિ ભવ્ય આયોજન જામનગર ખાતે થઈ રહ્યું છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી મોટી ખાવડી તથા આસપાસના ગામોમાં ધુમાડાબંધ ગામ જમણ તેમજ બટુક ભોજન સહિતના કાર્યક્રમમાં યોજવામાં આવી રહ્યા છે. આ આયોજનમાં મુકેશભાઈ અંબાણી, નીતાબેન અંબાણી, અનંત અંબાણી તેમજ દુલ્હન રાધિકાની ખાસ ઉપસ્થિતિ જોવા મળી રહી છે.
ત્યારે ગઈકાલે રિલાયન્સ કંપની નજીક આવેલી આવેલા જોગવડ ગામ ખાતે મુકેશભાઈ અંબાણી, અનંત તેમજ રાધિકા સહિતના મહાનુભાવોના યજમાન પદે યોજવામાં આવેલા અન્ન સેવા (ગામ જમણ) પ્રસંગે ગામજનોને તેઓએ પોતાના હાથે જમણ પીરસ્યું હતું. આ વચ્ચે રસોઈની સંપૂર્ણ જવાબદારી સંભાળતા ખંભાળિયાના દાયકાઓ જુના અનુભવી રસોઈયા અશોકભાઈ નકુમ દ્વારા વિવિધ પરંપરાગત વ્યંજનો બનાવવામાં આવ્યા હતા.
જેમાં કાજુનો મેસુબ, મોતીયા લાડુ, મોટા વાલ, બટાકા વટાણા ટામેટાનું શાક, પંજાબી શાક, પુરી , રોટલી, દાળ, ભાત, મિક્સ ભજીયા, તીખી તથા મીઠી ચટણી, છાશ, પાપડ, સહિતની જુદી જુદી વસ્તુઓ મેનુમાં બનાવવામાં આવી હતી. ગ્રામજનોને પીરસતી વખતે મુકેશભાઈ અંબાણીને ખાસ સ્વાદિષ્ટ એવા ભજીયાનો સ્વાદ દાઢે લાગ્યો હતો અને તેમણે રસોઈના ખાસ વખાણ કરી અને "ખંભાળિયાના ભજીયા એટલે વર્લ્ડ ફેમસ" નો પ્રતિભાવ આપી, આ રસોઈની સરાહના કરી હતી.
આ પ્રસંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગ્રુપ શ્રી ધનરાજભાઈ નથવાણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમના સંપૂર્ણ વિઝન હેઠળ આ પ્રિ-વેડિંગ સેરેમનીનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે. ખંભાળિયાના મૂળ વતની એવા નથવાણી પરિવારના વતન ખંભાળિયાની રસોઈ પણ હવે વર્લ્ડ ફેમસ સાબિત થઈ છે...