For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

‘ખાલી’ અટલ સરોવરનું લોકાર્પણ થશે? પાણી ભરવા રાત ઉજાગરા

05:30 PM Feb 16, 2024 IST | Bhumika
‘ખાલી’ અટલ સરોવરનું લોકાર્પણ થશે  પાણી ભરવા રાત ઉજાગરા
  • 75 એકરના તળાવમાં પાણી પહોંચ્યું નથી, આખું ભરતા એક મહિનો લાગે, ગાર્ડનિંગના પણ ઠેકાણા નથી, વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ ઘોંચમાં મુકાવાની શક્યતા
  • ટોય ટ્રેનનું એન્જિન આવી ગયું, ડબા હજુ બાકી: રાજકોટ આઇનું પણ માત્ર સ્ટેન્ડ ઊભું થયું છે. ઉતાવળે લોકાર્પણ કરવામાં આબરૂના ભડાકા થવાનો ખતરો

Advertisement

રાજકોટમાં આગામી તા.25ના રોજ વડાપ્રધાન મોદીના હસ્તે એઇમ્સની સાથે રાજકોટ સ્માર્ટસીટી અને અટલ સરોવરનું લોકાર્પણ ઝીંકી નાખવા મહાનગરપાલિકાના શાસકો અધીરા બન્યા છે. પરંતુ સ્માર્ટસિટી અને અટલ સરોવરના અધુરા પ્રોજેકટોનું લોકાર્પણ કરી શાસકો આબરૂના ભડાકા કરે તેવી સ્થિતિ સર્જાયેલ છે.

સ્માર્ટ સીટીને જોડતા મુખ્ય સાત માર્ગો અને અન્ય તમામ સુવિધા હજુ બાકી છે તેમજ 75 એકરમાં બનાવવામાં આવેલા અટલ સરોવરને પાણીથી આખુ ભરવામાં એક માસનો સમય લાગે તેમ હોય વડાપ્રધાનના હસ્તે ખાલી સરોવરનું લોકાર્પણ કરવામાં આવે તેવી સ્થિતિ સર્જાતા અટલ સરોવરમાં પાણી ભરવા કોર્પોરેશન તંત્ર દ્વારા રાત ઉજાગરા કરવામાં આવી રહ્યા છે. આમ છતા બે છેડા ભેગા થવા શકય નથી. તેવું કોર્પોરેશનના અધિકારીઓ જણાવે છે.
રાજકોટ સ્માર્ટસિટીનું કામ પહેલેથી જ ધીમી ગતીએ ચાલી રહ્યું છે અને ઓકટોબર-2023માં પ્રોજેકટ પુર્ણ કરવાની મુદત પુરી થઇ ગઇ હતી. પરંતુ કામ પુર્ણ નહીં થતા જુન-2024ની મુદત લંબાવવામાં આવી હતી. હવે અધુરા મહીને આ પ્રોજેકટનું લોકાર્પણ કરવા કોર્પોરેશનના સતાધિશો અધિરા બન્યા છે અને તાત્કાલીક કામપૂર્ણ કરવા 33 ઇજનેરોની નિમણુંક કરી છે. આમ છતા અઠવાડીયામાં કામ પુર્ણ થાય તેવી શકયતા નહીવત ગણાવાય છે.
ખાટલે મોટી ખોટ હોય તેમ સ્માર્ટ સિટીને લાગુ મુખ્ય સાત રસ્તાના કામ જ અધુરા છે. આ કામ પુર્ણ કરવા 11 ઇજનેરોને જવાબદારી સુપ્રત કરાઇ છે. જો કે, રાત-દિવસ ઉજાગરા કરીને રસ્તાના કામ પુરા કરવામાં આવે તો પણ ગાર્ડનીંગ અને પ્લાન્ટેશનનું કામ પુરૂ થશે કે કેમ તે અંગે શંકા છે.

Advertisement

આ સિવાય બોટનીકલ ગાર્ડન, સિનિયર સિટીઝન ગાર્ડનમાં અને ફલાવર ગાર્ડનમાં હજુ ધુળ ઉડી રહી છે. પ્લાન્ટેશનના પણ હજુ ઠેકાણા નથી ત્યારે જાણકારોનું કહેવું છે કે, જો અત્યારે ફુલછોડ અને ગાર્ડનીંગનું કામ શરૂ કરાય તો ઉનાળાની કાળઝાળ ગરમીમાં કામ નિષ્ફળ જવાનો પણ ખતરો છે.

સ્માર્ટ સિટીના મુખ્ય આકર્ષણ સમા અટલ સરોવરમાં હજુ સુધી પાણી જ ભરાયું નથી. 47.7 કરોડ લીટરની ક્ષમતાના આ 75 એકરના વિશાળ તળાવને પાણીથી આખુ ભરવામાં એક મહીનો લાગે તેમ છે. આજે રાત્રે અટલ સરોવર ભરવા માટે પાણી છોડવામાં આવ્યું છે. અઠવાડીયામાં ખાબોચીયુ જ ભરાય તેવી સ્થિતિ છે.

આ ઉપરાંત અટલ સરોવરની આસપાસનું બ્યુટિફિકેશનનું તેમજ ગાર્ડનીંગ- પ્લાન્ટેશનનું કામ પણ હજુ બાકી છે. જાયન્ટ ફેરી વ્હીલ (રાજકોટ આઇ)નું સ્ટેન્ડ ઉભુ થઇ ગયુ છે પણ તેમાં કેપ્સ્યુઅલ લગાવવાની બાકી છે જે લોકાર્પણ સુધીમાં લાગી શકે તેવી શકયતા નહીવત હોવાનું જણાવાય છે.

અધિકારીઓનું કહેવું છે કે, જુન-2024 સુધીમાં પણ સ્માર્ટ સિટી પ્રોજેકટનું કામ પુર્ણ થવા વિશે શંકા છે ત્યાં વડાપ્રધાનનો એઇમ્સના લોકાર્પણનો કાર્યક્રમ નકકી થતા મહાનગરપાલિકાના શાસકોએ સ્માર્ટસિટી અને અટલ સરોવરના લોકાર્પણ કરવાનો કાર્યક્રમ સાથે જ નકકી કરી નાખતા હાલ ‘એક સાંધે ત્યાં તેર તુટે’ જેવો તાલ સર્જાયો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement