રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટમાં ખાખીનો ખોફ ઓસર્યો, ગુનેગારો બેલગામ

04:47 PM Dec 02, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

પોલીસની ઢીલી નીતિના કારણે સામાન્ય બાબતમાં પણ સરાજાહેર હુમલા-છૂરીબાજીની ઘટનાઓમાં ચિંતાજનક વધારો

સરાજાહેર મારામારીની ઘટનાઓમાં ઉછાળો, અમુક પોલીસ સ્ટેશનોમાં ‘દલાલો’ સક્રિય, આમજનતાનો અવાજ દબાયો

રાજકોટમાં ગુનેગારો બેફામ બન્યા છે શહેર પોલીસની ઢીલી નીતિના કારણે બેખૌફ બનેલા લુખ્ખાઓ જાહેરમાં છુરાબાજી, હુમલા, કરી રહ્યા છે. તેમજ છેડતીના બનાવો પણ બને છે. રાજકોટમાં ખાખીનો ખૌફ ધીમે ધીમે ઓસરી રહ્યો છે ત્યારે તેનો લાભ લઈ ગુનેગારો બેખૌફ બનીને ગુનાઓ આચરી રહ્યા છે. આવા મામલામાં વધારો થતાં ચિંતાજનક સ્થિતિ ઉભી થઈ છે. પોલીસ સ્ટેશનમાં કેટલાક દલાલો સક્રિય બની ગયા છે અને આમ જનતાનો અવાજ જાણે દબાઈ ગયો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

રાજકોટ શહેરના મોટાભાગના પોલીસ અધિકારીઓ થોડા દિવસ પૂર્વે રજા ઉપર હોય અને રાજકોટ શહેરની પ્રજા ગુનેગારોના ભરોષે હોય તેવી સ્થિતિ ઉભી થઈ હતી.આ મામલે જો પોલીસ ગંભીર નહીં બને તો આગામી દિવસોમાં આવા લુખ્ખાઓ રાજકોટ શહેરને બાનમાં લઈ લેશે.રાજકોટમાં એક તરફ ચોરી, લુંટ અને મારા મારીની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે.

રાજકોટમાં બેફામ બનેલા ગુનેગારો અને લુખ્ખાઓને જાણે પોલીસનો ભય રહ્યો નથી. પોલીસના ડરથી અગાઉ જ્યારે ગુનેગારો જ્યારે ગુનો કરતા અચાક્તા હતા ત્યારે હાલની સ્થિતિ ક્યાય અલગ જ છે. ભૂતકાળમાં પોલીસ અધિકારીઓ ગુનેેગારોને ખોફ બોલાવી દેવા પોતાના તબા હેઠળના અધિકારીઓને છુટો દોર આપી દેતા હતા. હાલની સ્થિતિ ક્યાંક એવી છે કે, પોલીસ હવે કાયદાના દાયરામાં રહીને કામ કરે છે.

જેનો લાભ આવા ગુનેગારોને મળી જાય છે અને આવા ગુનેગારો ગુનો કરવામાં આંચક્તા નથી. કાયદાની એસી તેસી કરનાર આવા લુખાઓને સમાજમાં પોલીસનો ડર બેસે તેવી કામગીરી કરવી જરૂરી છે.

પોલીસ મથકમાં હાલ ગુનેગારો સામે કાર્યવાહી કરવા બદલે કેટલાક દલાલો સક્રિય થયા છે અને ગોઠવાણથી આવા લુખ્ખાઓને હાજર કરી પોલીસની કાર્યવાહીથી બચાવી લે છે. અગાઉ જ્યારે પોલીસ કમિશનર કચેરીમાં જ ગુનેગારોને લીમડાનો સ્વાદ ચખાડવામાં આવતો હતો તે ગુનેગાર બીજી વખત ગુનો કરવાનું ભુલી જતો હતો.તેનાથી વિપરિત સ્થિતિ હાલ રાજકોટ પોલીસમાં જોવા મળી રહી છે.

એસ્ટ્રોન ચોક પાસે યુવાનને ત્રિપુટી એ છરીના ઘા ઝીંક્યા

જુનીજેલ પાસે આવેલ નવયુગ પરામાં રહેતા વિનોદકુમાર જગદીશભાઈ ચાંડપાની ફરિયાદને આધારે એ ડિવીઝન પોલીસે કૃણાલ રાજુભાઈ ગોહેલ, લુલો સુરેશભાઈ ગોહેલ અને નિખીલ ચૌહાણ સામે ગુનો નોંધ્યો હતો. ફરિયાદમાં વિનોદે જણાવ્યું કે, ગત.29ના તેના મિત્ર મયુર સાથે યુનિ.રોડ પર રહેતા કૌટુંબીક કાકાના ઘરે બન્ને જઈ રહ્યા હતા ત્યારે કૃણાલ,લૂલો અને નીખીલે એસ્ટ્રોન ચોકના નાળા પાસે બન્નેને આંતરી તેઓના મિત્ર મયુરને પકડી સાઈડમાં લઈ ગયા હતા બાદમાં તેઓને છરીના હાથા વડે માથાના ભાગે હુમલો કર્યો અને ઢીકાપાટુંનો માર મારી જ્ઞાતિ પ્રત્યે હળધૂત કર્યો હતો. બનાવના કારણ અંગે વિનોદે જણાવ્યું કે, દોઢ મહિના પુર્વે કૃણાલ તથા તેના મિત્રો નવયુગપરામાં તેના ઘર નજીક બીજા વિસ્તારના યુવકોને ભેગા કરી બેસતા હોય જેથી તેણે કૃણાલને આ બાબતે સમજાવતા ઝગડો થયો હતો તેનો ખાર રાખી હુમલો હતો. એ-ડીવીઝન પોલીસે આ મામલે એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ત્રિપુટીની શોધખોળ શરુ કરી છે.

કાલાવડ રોડ ઉપર ચાર શખ્સોનો યુવાન ઉપર હુમલો

નાનામવાના આંબેડકરનગર-2, શેરી નં. 6માં રહેતા અને ડ્રાઇવિંગ કરતા રવિ મનસુખભાઈ બથવાર (ઉ.વ.27) એજી ચોક પાસે હોકર્સ ઝોનમાં આવેલી લારીમાં જમવા ગયો હતો. તે વખતે તેનાથી દૂર ટેબલ ઉપર છ-સાત યુવકોનું ગ્રુપ જમવા આવ્યું હતું. જેમણે છાસનો ઓર્ડર કર્યો હતો. આ પછી તેણે પણ છાસનો ઓર્ડર કર્યો હતો. જેમાં લારીવાળાએ રવીને પહેલા છાસ આપતા દૂર ટેબલ પર બેઠેલા આ ગ્રુપના એક શખ્સે રવીની સામે જોઇ ગાળો આપી તને કેમ પહેલા જમવાનું આપે છે, તારા કરતાં પહેલા અમે આવ્યા છીએ, તેમ કહી ઝગડો કર્યો હતો. રવીએ ગાળો આપવાની ના પાડતા આ ટોળકીએ રવી ઉપર હુમલો કરી દીધો હતો. એક શખ્સે તેના ઉપર છરીથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.બનાવ સ્થળ ઉપરથી એક શખ્સનો મોબાઇલ ફોન મળ્યો હતો. જેના પરથી તેનું નામ ગૌતમ સોલંકી હોવાનું અને એમ.જી. હોસ્ટેલમાં રહેતો હોવાનું માલુમ પડયુ હતું.આ મામલે તાલુકા પોલીસે એમ.જી. હોસ્ટેલના ગૌતમ સોલંકી અને તેના અને ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.

પોલીસને બાતમી આપ્યાની શંકાએ બૂટલેગરે પિતા- પુત્ર અને બહેનને માર માર્યો

મોરબી રોડ ઉપર ચામડિયા ખાટકીવાસમાં રહેતા અરબાઝ મહમદભાઈ ભાડુલા અને તેના પરિવાર ઉપર હૈદરબાપુ, અલીબાપુ, ધમબાપુ, સદામ, હસન, સાહિદ અને હૈદર તથા તેની માતા રોશન અને એક અજાણ્યા શખ્સે હુમલો કર્યાની ફરિયાદ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે, હૈદર નામનો શખ્સ જે દારૂનો ધંધો કરતો હોય તેને ત્યાં પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડા અંગે આસ્થાના ભાઈ અરબાઝ ઉર્ફે રહિસે બાતમી આપ્યાની શંકાએ હૈદર સાથે છેલ્લા ઘણા સમયથી દુશ્મનાવટ ચાલતી હોય અને આ બાબતનો ખાર રાખી ગઈકાલે બપોરે જ્યોર અરબાઝ ગાઠિયા લેવા માટે જતો હતો ત્યારે ધમબાપુ અને સદામે તેની સાથે ગાળાગાળી કરી હતી. અને આ શખ્સોએ અરબાજ ઉપર હુમલો કર્યો હતો. તેમજ વચ્ચે પડેલ તેની બહેન આસ્થાબેન અનેતેના પિતા મહમદભાઈને પણ બેફામ માર માર્યો હતો. અને ધમકી પણ આપી હતી. આમ બેખૌફ બનેલા બુટલેગર પરિવારે દારૂની બાતમી આપ્યાની શંકાએ મુસ્લિમ પરિવારના પિતા-પુત્ર અને બહેન ઉપર હુમલો કરીને તેમને ધમકી આપતા આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

રાજકોટમાં નવેમ્બર મહિનામાં હત્યાના 6 બનાવો

શહેરમાં ગુનેગારો બેખૌફ બન્યા હોવાનું ચોક્કસપણે સામે આવી રહ્યું છે. કારણ કે, રાજકોટ શહેર કે જે શાંતિપ્રિય ગણવામાં આવે છે. તેમાં રાજકોટ શહેરમાં નવેમ્બર મહિનામાં હત્યાના 6 બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં ગત તા. 1/11ના રોજ કાર્તિક સરવૈયાની હત્યા, તા. 7/11ના રોજ કમલેશ રાઠોડની હત્યા, તા. 16/11ના રોજ વિજય સોલંકીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો, તા. 21/11ના રોજ રાજેશ રાજપૂતની હત્યાનો બનાવ અને તા. 24/11ના રોજ રેશ્માબેન નામની મહિલાની હત્યા કરવામાં આવી જ્યારે ગત તા. 30/11ના રોજ શનિવારે કોઠારિયા રોડ પર કારખાનેદાર હાર્મિશને ફાઈનાન્સરે મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યાના બનાવો ઉપરાંત હત્યાની કોશિષ અને મારામારી અને હુમલાના પણ અસંખ્ય બનાવો પોલીસ ચોપડે નોંધાયેલા છે ત્યારે અગાઉની જેમ પોલીસ કડક હાથે ગુનેગારો સામે કાર્યવાહી નહીં કરે તો ગુનાખોરીનો ગ્રાફ વધતો જ રહેશે.

Tags :
gujaratgujarat newspolicerajkotrajkot news
Advertisement
Next Article
Advertisement