કેતન ઈનામદારના રાજકીય ડ્રામાનો અંત, રાજીનામું પાછું ખેંચવાની જાહેરાત
- મારી માગણી રજુ કરી, ચર્ચા બાદ મને સંતોષ છે, રાજીનામું પાછું ખેંચીશ
- ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, હર્ષ સંઘવી, રત્નાકર પાંડે સાથે બેઠક બાદ ધારાસભ્યનો યુ-ટર્ન
વડોદરા જિલ્લાના સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે ગઈ મધરાત્રે આપેલા રાજીનામાના રાજકીય ડ્રામાનો માત્ર ગણતરીના કલાકોમાં જ અંત આવી ગયો છે અને આજે બપોરે ભાજપના પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ સાથે બેઠક યોજ્યા બાદ કેતન ઈનામદાર ઢીલાઢપ્પ થઈ ગયા હતાં અને અચાનક જ તેના સૂર બદલાઈ ગયા હતાં. સાથોસાથ તેમણે અધ્યક્ષ પાસે જઈ રાજીનામું પાછું ખેંચી લેવાની પણ મીડિયા સમક્ષ જાહેરાત કરી હતી. ભાજપના ધારાસભ્યે ગત રાત્રે 2 વાગ્યે આસપાસ અંતર આત્માના અવાજ મુજબ રાજીનામાનો ઈ-મેઈલ વિધાનસભાના અધ્યક્ષને કરી ગુજરાતના રાજકારણમાં ભારે ખળભળાટ મચાવી દીધો હતો.
સવારે આ રાજીનામાની જાણ થતાં સાવલી તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ 15 જેટલા સરપંચો અને હજારો કાર્યકરો પણ રાજીનામા ફેંકવા તૈયાર હોવાની વાતો કરવામાં આવી હતી. જો કે બીજી તરફ ભાજપે ડેમેજ કંટ્રોલ શરૂ કરી દઈ મુખ્યમંત્રીએ પણ કેતન ઈનામદાર સાથે ફોન ઉપર વાત કરી રાજીનામુ પાછું ખેંચી લેવા સમજાવ્યા હતાં. ત્યારબાદ હકુભા જાડેજા સહિતના બે જૂથ પણ કેતન ઈનામદારના નિવાસસ્થાને મનામણા માટે દોડાવવામાં આવ્યા હતાં. દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કેતન ઈનામદારને ગાંધીનગર આવી જે પણ રજૂઆત હોય તે ખુલ્લા મને કરવા જણાવતાં બપોરે કેતન ઈનામદાર ગાંધીગનર પહોંચ્યા હતા અને ગાંધીનગરમાં ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ ઉપરાંત વડોદરા જિલ્લાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી તથા સંગઠન મહામંત્રી રત્નાકર પાંડે સાથે બંધ દરવાજે બેઠક યોજી હતી. લગભગ અડધો કલાક બેઠક ચાલ્યા બાદ કેતન ઈનામદાર બહાર આવ્યા હતાં અને તેના સૂર બદલાયેલા જોવા મળ્યા હતાં. બેઠક બાદ કેતન ઈનામદારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મે મારા અંતર આત્માના અવાજ મુજબ કાર્યકરોની લાગણી પહોંચાડવા માટે રાજીનામું આપ્યુ હતું અને પાર્ટીના નેતાઓ સમક્ષ મારી માંગણીઓ રજૂ કરી હતી. નેતાઓ સાથે ચર્ચાઓ બાદ મને સંતોષ થયો છે. માટે હવે મારું રાજીનામું અધ્યક્ષ સમક્ષ રૂબરૂ જઈ પાછું ખેંચી લઈશ.