કેરળના આપઘાત કેસમાં બગસરાના 3 સહિત 4ને તપાસ માટે ઉઠાવી જતી કેરળની પોલીસ
કેરળના વાઈનાડ જિલ્લાના મીનઅંગાડી ગામે એક્યુ ઓકે લોન એપ્સના માધ્યમથી લોન લીધા બાદ ભરપાઈ કરી ન શકતા આ યુવાનને બ્લેકમેલ કરવામાં આવતા યુવાને આપઘાત કરી લીધેલ હોય આ કેસમાં તપાસના અંતે બગસરાના ત્રણ યુવક સહિત ચારની ધરપકડ કરવા કેરળ પોલીસ બગસરા પહોંચી હતી. મીનઅંગાડી પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી મેથ્યુ એમ્બેવેલીએ જણાવ્યું હતું કે આઈ ટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
કેરળના વાઈનાડ જિલ્લાના મીનઅંગાડી પોલીસ સ્ટેશન દ્વારા જાણવા મળતી વિગતો અનુસાર અજયરાજ ઉ.વ. 44 નામના યુવકે લોન એપ્સના માધ્યમથી લોન લીધી હતી. જો કે આ લોન તે સમયસર ચૂકવી ન શકતા તેમને ધાકધમકી ભર્યા ફોન આવવા લાગ્યા હતા. તેમ જ તેમના ફોટા ને મોર્ફ કરી અન્ય સંબંધીઓને મોકલવામાં આવતા હતા. જેથી આ બાબતે ભથારી વિસ્તારના અજયરાજ નામના યુવકે કંટાળી ગત 15 સપ્ટેમ્બર ના રોજ આપઘાત કરી લેતા વાઈનાડ જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો. આ બાબતે મીનઅંગાડી પોલીસે તપાસ કરતા આ બાબતે આપઘાતના તાર બગસરામાં નીકળતા કેરળ પોલીસની એક ટીમ બગસરા ખાતે આવી પહોંચી હતી અને તપાસના અંતે બગસરામાંથી ત્રણ અને અમરેલીમાંથી એક શખ્સને ઉપાડી કેરળ ખાતે લઈ ગઈ હતી બગસરાના ચાર વ્યક્તિમાંથી એક આરોપી સગીર વયનો હોવાનું માલુમ પડ્યું છે.ત્રણેય આરોપીને સુલતાન બથેરી કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ ઘટનાની તપાસ બિનઅંગાડીના પોલીસ અધિકારી પી. જે. કોરિયાકોશ ચલાવી રહ્યા છે.
પકડાયેલાં આરોપીમાં
સમીરભાઈ બશીરભાઈ ખેરાણી રહે, મેમણ કોલોની બટારવાડી અમરેલી. મોહમ્મદ કાદરભાઈ કાળવાતર રહે, ઘાંચીવાડ બગસરા.અલી અજીતભાઈ કાળવાતર રહે,ઘાંચીવાડ બગસરા અને કુકાવાવ નાકા બગસરા પાસેથી એક સગીર વયની ઈસમની ધરપકડ કરવામાં આવી છે. આ બાબતે પરિવારજનો પણ અજાણ હોવાનું જાણવા મળ્યું છે.