કરો જલ્સા: બપોરે 1થી 4 ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે
- કાળજાળ ગરમી શરૂ થતાં ટ્રાફિક બ્રાંચ દ્વારા શહેરીજનો માટે લેવાયો મહત્ત્વનો નિર્ણય: કોર્પોરેશનને લેખિતમાં રિપોર્ટ આપ્યો: વાહન ચાલકોને બપોરે ટ્રાફિક પોઈન્ટ પર શેેકાવું નહીં પડે
ઉનાળાની હજુ શરૂઆત પણ નથી થઈ ત્યાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કાળઝાળ ગરમી પડવા લાગી છે ત્યારે શહેરીજનોને કાળઝાળ ગરમીમાં ટ્રાફીક પોઈન્ટ પર સેકાવું ન પડે તે માટે ટ્રાફીક બ્રાંચ અને કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લઈ બપોરે 1 થી 4 ટ્રાફીક સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજકોટ શહેરની ટ્રાફીક સમસ્યા દિવસને દિવસે જટીલ અને માથાના દુ:ખાવા રૂપ બની ગઈ છે ત્યારે ટ્રાફીક સમસ્યા સુચારૂ રૂપ ચાલે તે માટે શહેરમાં બે ડઝનથી વધુ સ્થળોએ ટ્રાફીક સિગ્નલ ગોઠવવામાં આવ્યા છે. અદ્યતન ટાઈમર સાથેના ટ્રાફીક સિગ્નલો સવારથી સાંજ સુધી કાર્યરત રહે છે જેના કારણે શહેરમાં ટ્રાફીક સમસ્યા મહંદ અંશે ઉકેલી શકાય છે. ટ્રાફીક સમસ્યા હળવી કરવા માટે મુકવામાં આવેલા ટ્રાફીક સિગ્નલો પર કાળઝાળ ગરમીના કારણે વાહન ચાલકોને બપોરે ટ્રાફીક ન હોવા છતાં ફરજિયાત તડકામાં રોડ ઉપર ઉભા રહેવું પડતું હોય જેમાંથી વાહન ચાલકોને રાહત આપવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. દર વર્ષની માફક આ વર્ષે પણ ટ્રાફીક બ્રાંચ અને કોર્પોરેશન દ્વારા રાજકોટ શહેરના બે ડઝન જેટલા ટ્રાફીક સિગ્નલો બપોરે 1 થી 4 ત્રણ કલાક માટે બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જેના કારણે હવે વાહન ચાલકોને ટ્રાફીક પોઈન્ટ ઉપર કાળઝાળ ગરમી કે આકરા તાપમાં સેકાવું નહીં પડે. ટ્રાફીક બ્રાંચ દ્વારા શહેરના ટ્રાફીક સિગ્નલો બંધ રાખવા માટે કોર્પોરેશનને લેખિતમાં જાણ પણ કરી દીધી છે અને ત્યારબાદ શહેરીજનોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.