'સમાજનું હિત એ જ મારું હિત' વિવાદ વચ્ચે કરણી સેના પ્રમુખ રાજ શેખાવતે ભાજપમાંથી આપ્યું રાજીનામું
રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જેથી ક્ષત્રિય સમાજમાં ભારે રોષનો જોવા મળ્યો હતો. આ વિવાદને લઈને ગઈકાલે શાંત કરવા ગોંડલમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં ક્ષત્રિય સમાજની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં રૂપાલાએ બે હાથ જોડી માફી માગી હતી, જોકે હજુ રાજપૂત સમાજમાં અસંતોષ હોય એમ ગુજરાત કરણીસેનાના અધ્યક્ષ રાજ શેખાવતે રૂપાલાના વિરોધમાં ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે.
રાજ શેખાવતે કહ્યું હતું કે સમાજ મારા માટે સર્વોપરી છે, આજે હું જે પણ છું એ સમાજના લીધે છું, સમાજ હિત એ જ મારું હિત એટલે આજે હું ડો. રાજ શેખાવત તાત્કાલિક ભારતીય જનતા પાર્ટીની પ્રાથમિક સદસ્યતા પરથી રાજીનામું આપુ છું.
ગોંડલમાં ગઈકાલે યોજવામાં આવેલી ક્ષત્રિય સમાજની બેઠકને કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે ભાજપ પ્રેરિત ગણાવી વિરોધ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, ભાજપના કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની મહિલાઓને લઈને એક કાર્યક્રમમાં નિમ્નસ્તરનું નિવેદન કર્યું છે. તેમના નિવેદનથી સમગ્ર ગુજરાતનો ક્ષત્રિય સમાજ રોષમાં છે, તેમ છતાં પણ ભાજપ દ્વારા કોઈ પગલુ ભરવામાં આવી રહ્યું નથી. આથી હું રાજ શેખાવત તાત્કાલિક ધોરણે ભારતીય જનતા પાર્ટીની પ્રાથમિક સદસ્યતાથી હું રાજીનામું આપી રહ્યો છું.