કાંતિલાલ સોમવારે લાવ લશ્કર સાથે જશે ‘શરતી’ રાજીનામું આપવા
150 કારનો કાફલો લઇ ગાંધીનગર પહોંચશે, વિધાનસભાના ગેઇટ બહાર ગોપાલ ઇટાલિયાની 30 મિનિટ રાહ જોશે, નહીં આવે તો રાજીનામાનો કાર્યક્રમ કેન્સલ!
મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને વિસાવદરમાંથી તાજેતરમાં પેટા ચૂંટણીમાં ચૂંટયેલા આમઆદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વચ્ચે શરૂ થયેલા રાજીનામાના હાકલા પડકારાના રાજકરપ માટે સોમવારે નિર્ણાયક દિવસ છે.
મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીયાને ખુલ્લો પડકાર ફેંક્યો છે અને જાહેરાત કરી છે કે તેઓ સોમવારે સવારે 11 કલાકે 150 ગાડીના ભવ્ય કાફલા સાથે રાજીનામું લઈને વિધાનસભા પહોંચશે. આ ઘટના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બની છે.
કાંતિ અમૃતિયા મોરબીથી પોતાના સમર્થકો સાથે ગાંધીનગર જવા રવાના થશે અને વિધાનસભાના ગેટ નંબર 4 બહાર શક્તિ પ્રદર્શન કરશે. આ શક્તિ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય ગોપાલ ઇટાલીયાને આપવામાં આવેલો પડકાર છે. અમૃતિયાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ વિધાનસભાના પ્રવેશ દ્વારે 30 મિનિટ સુધી ગોપાલ ઇટાલીયાની રાહ જોશે.
આ સમગ્ર ઘટનાક્રમમાં સૌથી મહત્વની બાબત એ છે કે કાંતિ અમૃતિયાનું રાજીનામું શરતી છે. તેમણે જાહેરાત કરી છે કે જો ગોપાલ ઇટાલીયા ત્યાં આવશે, તો જ તેઓ રાજીનામું આપશે. જો ગોપાલ ઇટાલીયા હાજર નહીં થાય, તો અમૃતિયા પોતાનું રાજીનામું નહીં આપે. આ રાજકીય ઘટનાક્રમ સૌરાષ્ટ્ર અને ગુજરાતના રાજકારણમાં શું નવો વળાંક લાવે છે તે જોવું રસપ્રદ રહેશે. કાંતિ અમૃતિયાના આ પગલાથી રાજકીય ગરમાવો વધ્યો છે અને સોમવારનો દિવસ રાજકીય દ્રષ્ટિએ મહત્વનો બની રહેશે.
નોંધનીય છે કે, ગુજરાતના રાજકારણમાં અત્યારે ચેલેન્જનું જોરદાર રાજકારણ ચાલે છે, ને એમાં મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ એક મોટો દાવ રમ્યો છે! અમૃતિયાએ આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાની ચેલેન્જ ખુલ્લેઆમ સ્વીકારી લીધી છે, ને કહી દીધું છે કે, હું તો રાજીનામું આપવા તૈયાર છું! કાંતિ અમૃતિયાએ કહ્યું છે કે, સોમવારે હું ને ગોપાલભાઈ બેય વિધાનસભા અધ્યક્ષ પાસે જઈને ભેગા જ રાજીનામું આપીએ. રાજીનામા આપ્યા પછી, મોરબીમાં આપડે ચૂંટણી લડીએ. અમૃતિયાએ પોતાની વાતમાં ભાર મૂકતા કીધું કે, હું પાકી જબાનનો માણસ છું. જો હું મોરબીથી હારીશ, તો તમને રૂા.2 કરોડ આપીશ!