પુરુષ પ્રધાન ઓટોમોબાઇલ અને સર્વિસના ફિલ્ડમાં આધિપત્ય જમાવી કંડારી અલગ કેડી
એક જ જગ્યાએ અલગ અલગ ગાડીઓની સર્વિસ, રીપેરિંગ,મલ્ટિ બ્રાન્ડનું દરેક કામ થાય તેવા હેતુસર જીયા શૈલેષ પરમારે જે કે મોટર્સની કરી સ્થાપના
શ્રી શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ થકી સમાજની જરૂરિયાતમંદ મહિલાઓ, મૂંગા પશુ, પંખી, મેડિકલ સેવા,વૃક્ષારોપણ, દીકરીઓના શિક્ષણ તેમજ મહિલાઓ માટેના અવેરનેસ કાર્યક્રમો કરે છે જીયા શૈલેષ પરમાર
બાળકો સાથે તે બાળક બની જાય છે અને મહિલાઓ સાથે તેની સહેલી બની જાય છે. વૃદ્ધોની દીકરી બનીને કાળજી લે છે તો અનાથ બાળકોને માતાની ખોટ પૂરે છે. પશુ, પંખી માટે જીવદયાનું કામ કરે છે તો ભગવાન પર અપાર શ્રદ્ધા સાથે કોઈપણ પડકાર ઝીલી લે છે.દરેકને સારું જીવન જીવવાનો અધિકાર છે તેવું માનીને પશુ,પંખી ગાય દરેક પ્રત્યે કરુણા વરસાવે છે.આવો સંવેદનશીલ સ્વભાવ હોવા છતાં પુરુષ પ્રધાન બિઝનેસ કરવાનું બીડું ઝડપી સફળ પણ થયા છે.આ વાત છે મૂળ સૌરાષ્ટ્રના અને હાલ અમદાવાદ સ્થિર થયેલ જે કે મોટર્સના જીયા શૈલેષ પરમારની.
જન્મ જૂનાગઢમાં અને અભ્યાસ પોરબંદર તથા રાજકોટમાં કર્યો.બી.એ. અને એમબીએ કર્યું.ઘરની પરિસ્થિતિ,માતા પિતાનો સંઘર્ષ અને પોતાની જ્ઞાતિપ્રત્યે લોકોનું વર્તન જોઈને ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરવા કમર કસી.ઘરમાં આર્થિક મદદ થાય એ હેતુથી કામ પણ કરવા લાગ્યા.આ સમય દરમિયાન જ જીવનભર સાથ આપનાર શૈલેષભાઈ મળ્યા. એકબીજાના પૂરક હોય તેવું લાગતા બંને લગ્ન બંધનમાં બંધાઈ ગયા.લગ્ન પછી પતિ અને પરિવારજનોનો સાથ મળ્યો.પતિએ આગળ વધવા ખૂબ પ્રોત્સાહન આપ્યું.લગ્ન પછી દીકરાનો જન્મ થયો. 2009 થી 2013 દરમિયાન ૠખઊઊજ હોસ્પિટલની નોકરી દરમિયાન 700 લોકોના સ્ટાફને હેન્ડલ કરતી વખતે અનેક અનુભવો થયા.
સમય જતાં દીકરીનો જન્મ થયો.સંતાનોની જવાબદારી સાથે પણ વિવિધ પ્રવૃતિઓ ચાલતી રહી.કોરોનાના સમય દરમિયાન અનેક લોકોના બિઝનેસ બંધ થતા હતા ત્યારે તેઓએ જાણે સમયને પડકાર આપતા હોય તેમ નવા બિઝનેસની શરૂઆત કરી, પોતાની હિંમત અને આત્મસૂઝનો પરિચય આપ્યો. પુરુષપ્રધાન એવા ઓટોમોબાઇલ અને રીપેર સર્વિસના ક્ષેત્રમાં ઝંપલાવ્યું. મિત્ર કમલેશભાઈ લબાના સાથે જે કે મોટર્સ શરૂ કર્યું. એક જ જગ્યાએ અલગ અલગ ગાડીઓની સર્વિસ રીપેરિંગ બધું જ થાય, મલ્ટિ બ્રાન્ડનું દરેક કામ એક જ જગ્યાએ થાય તેવા હેતુસર આ બિઝનેસ શરૂ કરવાનું વિચાર્યું. કહેવાય છે ને કોઈપણ નવા માર્ગ પર પડકારોનો સામનો કરવો પડે છે તેમ આ અલગ ફિલ્ડમાં કામ કરવા માટે તેઓને પણ અનેક વાતો સાંભળવી પડી,આમ છતાં હાર્યા નહીં. આજે અમદાવાદ અને બરોડા બંને જગ્યાએ જે કે મોટર્સની બ્રાંચ છે.
તેઓને કામની સફળતા સાથે મનમાં અન્યને મદદરૂપ થવાના વિચારો ચાલતા.છેલ્લા દસ વર્ષથી તેઓ શ્રી શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ થકી સમાજ સેવાના કાર્યો સાથે જોડાયેલા છે જેમાં જરૂરિયાતમંદ મહિલાઓ, મૂંગા પશ,ુ પંખી મેડિકલ સેવા,વૃક્ષારોપણ, તેમજ દીકરીઓના શિક્ષણ, મહિલાઓ માટેના અવેરનેસ કાર્યક્રમો જેમાં સર્વાઇકલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર વગેરે પર તેઓ કામ કરે છે.એક પણ સેવા કાર્ય એવું નહીં હોય જે જીયાબેને કર્યું ન હોય. દસ વર્ષમાં 200 દીકરીઓને પોતાના ખર્ચે ભણાવી,મહિલાઓને પગભર થવા સિલાઈ મશીન આપવા, ગરીબ બાળકોને દવા સહિત અન્ય મદદ, 500થી વધુ વૃક્ષારોપણ કર્યા છે. તેઓ માને છે કે જો હું કોઈને મદદરૂપ થઈ શકું તો મારી જાતને ભાગ્યશાળી માનું છું.
બિઝનેસ વુમન ઉપરાંત તેઓ માતા, પત્ની સહિતની અનેક ફરજો નિભાવવા સાથે સમાજ પ્રત્યે સંવેદનશીલ રહી નિ:વાર્થભાવે કાર્યો કરતા રહે છે. તેઓનું માનવું છે કે બીજા સાથે એટલી ઉદારતા રાખો જેટલી ઈશ્વરે તમારી સાથે રાખી છે અને એટલા માટે જ જ્યાં પણ પોતાની જરૂૂર હોય ત્યાં તેઓ ખડેપગે હાજર હોય છે.તેમના કામોની કદર રૂૂપે તેઓને અનેક એવોર્ડ મળ્યા છે જેની યાદી ખૂબ લાંબી છે.
પોતાના સંઘર્ષના દિવસો યાદ કરતા જીયાબેન જણાવે છે કે, સંઘર્ષ કોના જીવનમાં નથી? આ સમયને યાદ શા માટે કરવો? જીવનના જુદા જુદા તબક્કે અલગ અલગ પ્રકારના સંઘર્ષનો સામનો કરવો પડ્યો છે પરંતુ આજે જે સફળતા મળી છે તે એ સંઘર્ષના કારણે જ છે.સંઘર્ષ આવે એટલે જાણે અનેકગણી મહેનતથી તેને હરાવવા લાગી જતી.આ સમયમાં જ મને મારા આંતરિક ગુણોનો પરિચય થયો છે.સોશિયલ મીડિયાનો મારા જીવનમાં ખૂબ મોટો ફાળો છે. જો તેનો સારો ઉપયોગ કરો તો સારું પરિણામ આપે છે.
ભગવાનમાં અપાર શ્રદ્ધા ધરાવતા જીયાબેન જણાવે છે કે ભગવાનની કૃપાના અપરંપાર પરચા જીવનમાં મળ્યા છે. જીવનના મુશ્કેલ માર્ગમાં જાણે ભગવાને હાથ પકડ્યો હોય તેવા અનુભવ પણ થયા છે. ભાષા ઉપર પ્રભુત્વ ધરાવનાર તથા વિચારોનું મનોમંથન કરનાર જીયાબેન પરમારને લોકો પોતાના આદર્શ માને છે અને મોટિવેશનલ સ્પીકર તરીકે આમંત્રણ આપે છે. શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓને તેઓ સંબોધન કરે છે અને અનાથ આશ્રમમાં બાળકો સાથે સમય પસાર કરે છે આવા મલ્ટિ ટાસ્કર પર્સનાલિટી ધરાવતા જીયાબેનના અનેક સ્વપ્નો છે જેમાંનું એક છે કે ગુજરાતના દરેક શહેરમાં જ્ઞાતિ અને ધર્મના ભેદભાવ વગર દીકરા-દીકરી માટે હોસ્ટેલ બનાવવી.જીયાબેન પરમારને ખુબ ખુબ શુભેચ્છાઓ.
ફેમિનિઝમ કાર્ડનો દુરુપયોગ ન કરો
વિશ્વ મહિલા દિવસ નજીકમાં છે ત્યારે જીયાબેને મહિલાઓને સંદેશ આપતા જણાવ્યું હતું કે, સ્ત્રીની સફળતા પાછળ હવે પુરુષોનો હાથ પણ જોવા મળે છે. નારી સશક્તિકરણ એ સ્ત્રીની એકલાની જંગ નથી.અનેક પુરુષોએ મહિલાઓ આગળ આવે તે માટે પ્રયત્ન કર્યા છે તેથી બંનેને સમાન અધિકાર હોવા જોઈએ. ફેમિનિઝમ કાર્ડનો દુરુપયોગ ન કરો. તમારા હક્ક માટે સ્ટેન્ડ લો.તમને ઉડવા માટે પાંખો મળી છે પણ જમીન છોડવાની નથી તેનું ધ્યાન રાખજો.
Wrriten By: Bhavna Doshi