કાલાવડના ડે. ઈજનેરની બદલી કરતા એસો.ની હડતાળની ચીમકી
જામનગર જિલ્લા ના કાલાવડ વેસ્ટ સબ ડિવિઝનમાં ફરજ બજાવતા વીજ કંપનીના ડે. ઈજનેરની અંજાર બદલી કરાતાં જીઈબી એન્જિનિયર્સ એસોસિએશન વિફર્યું છે. અને બદલી રોકવામાં ન આવે તો હડતાળ કરવા અંગે ચીમકી આપવામાં આવી છે.
કાલાવડ સ્થિત પશ્ચિમ ગુજરાત વીજ કંપનીની કચેરીમાં ડેપ્યુટી એન્જિનિયર તરીકે ફરજ બજાવતા વી.એચ. ભેડા ની કચ્છના અંજાર સર્કલમાં બદલી કરવાનો હુકમ આવતા જીઈબી એન્જિનિયર્સ એસોસિએશન વિફર્યું છે.
આ બાબતે એસોસિએશનના હોદ્દેદારોએ જામનગરના અધિક્ષક એન્જિનિયર એચ.ડી. વ્યાસને આવેદનપત્ર પાઠવી જણાવ્યું છે કે, કાલાવડ વેસ્ટ સબ ડિવિઝનમાં ફરજ બજાવતા ડે. ઈજનેર ભેડાને રાત્રે સાડા બારેક વાગ્યે એક ગ્રાહકનો ફોન આવ્યો હતો. જેમાં જામવાડી જયોતિ ગ્રામ યોજનાના સાત ગામને જોડતા ફીડરની ફરિયાદ અંગે વાતચીત કરાઈ હતી.
આ વાતચીતના રેકોર્ડિંગમાં ભેડાએ શિષ્ટ અને વ્યવસાયીક ભાષામાં ફીડરની લંબાઈ ઘટાડવામાં મારૂૂ ન ચાલે તેમ કહેતા આ અધિકારીની રાજકીય ઈશારે બદલી કરવામાં આવી છે. તે બદલી રોકવામાં નહીં આવે તો આગામી સોમવારે સૂત્રોચ્ચાર અને તા.1 જુલાઈએ વર્ક ટુ રૂૂલ તેમજ તા.11 જુલાઈથી હડતાળ કરવામાં આવશે.