કાલાવડ મામલતદાર કચેરીના ક્લાર્કે એડવોકેટને માર માર્યો, પોલીસે ફરિયાદ નહીં લેતા વકીલોમાં રોષ
કાલાવાડમાં એડવોકેટ અર્જુન ઠેસીયાએ 45 દિવસ પહેલા ખરી નકલ કરવા માટે મામલતદાર કચેરીના ક્લાર્ક જયદીપ ગઢવીને કામગીરી સોપી હોવા છતાં કામગીરી નહીં કરતા એડવોકેટ અર્જુન ઠેસીયાએ મામલતદારને ફરિયાદ કરી હતી જેનો ખાર રાખી ક્લાર્ક જયદીપ ગઢવીએ એડવોકેટ અર્જુન ઠેસીયાને માર માર્યો હોવાનો અને પોલીસ ફરિયાદ નહીં લેતા લેતી હોવાના આક્ષેપ સાથે કાલાવાડ બાર એસોસિયેશન દ્વારા હુમલાખોર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવા સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો છે.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ કાલાવાડ બાર એસોસિએશનના સભ્ય એડવોકેટ અર્જુનભાઈ દામજીભાઈ ઠેસીયાએ 45 દિવસ પહેલા કાલાવડ મામલતદાર કચેરીમાં ખરી નકલ કરવા માટે કામગીરી સોંપી હોવા છતાં જે કામગીરી પૂર્ણ કરવામાં નહીં આવતા એડવોકેટ અર્જુનભાઈ ઠેસીયાએ મામલતદારને રજૂઆત કરી હતી જેને પગલે મામલતદાર કચેરીના કલાર્ક જયદીપ ગઢવીએ ઉશ્કેરાય જઇ એડવોકેટ અર્જુનભાઈ ઠેસીયાને ફડાકા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે અંગે અર્જુનભાઈ ઠેસીયા ફરિયાદ નોંધાવા કાલાવાડ પોલીસ સ્ટેશન ખાતે ગયા હતા અને પીઆઇ આંબલીયાને રજૂઆત કરી હતી.
પરંતુ પીઆઈ આંબલીયાએ બીજા દિવસે બપોરે આવવાનું જણાવતા અર્જુનભાઈ બીજા દિવસે પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા તેમ છતાં પીઆઇ આંબલીયાએ ફરિયાદ નહીં લેતા વકીલ આલમમાં રોષ ભભૂક્યો છે. ગુનો બનતો હોવા છતાં પીઆઇએ ગંભીર અઘટિત બનાવની નોંધ લઇ ફરિયાદ દાખલ નહીં કરતા કાલાવાડ બાર એસોસિએશનને આ બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો. અને ઘટના અંગે એડવોકેટને માર મારી ધમકી આપનાર જયદીપ ગઢવી સામે પોલીસ ફરિયાદ દાખલ થાય તે માટે તાકીદે મીટીંગ બોલાવી હતી. અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો.