ગોંડલ નાગરિક બેંકના ચેરમેન તરીકે કાલરિયા અને વાઇસ ચેરમેનપદે ઓમદેવસિંહની વરણી
ગોંડલનાં અર્થતંત્રની ધરોહર સમી નાગરિક સહકારી બેંકનાં ચેરમેન અશોકભાઈ પીપળીયા અને વાઇસ ચેરમેન જ્યોતિરાદિત્યસિંહ (ગણેશ)જાડેજાએ હોદા પર થી રાજીનામુ ધરી દેતા આજે નવા ચેરમેન વાઇસ ચેરમેનની સર્વાનુમતે વરણી કરાતા ચેરમેન તરીકે અગ્રણી વેપારી કિશોરભાઈ કાલરીયા તથા વાઇસ ચેરમેન તરીકે ઓમદેવસિંહ જાડેજા સતારુઢ બન્યા છે.
પ્રાપ્ત વિગત મુજબ 61391 સભાસદ સાથે ગોંડલ હેડ બ્રાંચ ઉપરાંત રાજકોટ, શાપર વેરાવળ,જશદણ, દેરડી,સાણથલી સહિત આઠ બ્રાંચ સાથે અગ્રીમ ગણાતી નાગરિક બેંકની તાજેતરની ચુંટણીમાં ભાજપ પ્રેરીત તમામ 11 ડીરેકટરો ચુંટાયા હતા.અને ભાજપનો ભગવો ફરી લહેરાયો હતો.જેમાં વર્તમાન ચેરમેન અશોકભાઈ પીપળીયા ફરી ચુંટાયા હતા.જ્યારે બેંકનાં વાઇસ ચેરમેન બનેલા જ્યોતિરાદિત્યસિંહ (ગણેશ),જાડેજાએ જુનાગઢ જેલ માં રહી ચુંટણી લડી વિજય મેળવ્યો હતો.
વર્તમાન ચેરમેન અશોકભાઈ પીપળીયાએ છેલ્લા પાંચ વર્ષ માં બેંક ની ડીપોઝીટ 122 કરોડમાંથી 372 કરોડે પંહોચાડી બેંક ને પ્રગતિશીલ બનાવી હતી. ભાજપ મોવડી જયરાજસિહ જાડેજાએ જણાવ્યુ હતુ કે બેંકમાં અન્ય ડીરેકટરોને પણ હોદા મળી રહે એ હેતુથી સર્વાનુમતે હોદાની ફેરબદલી કરાઇ છે. આજે સવારે 11 કલાકે નાગરિક બેંક ભવન ખાતે નવા સુકાનીઓએ હોદાનાં સપથ ગ્રહણ કર્યા હતા.