કલાગુરુ રવિશંકર રાવળના 133મા જન્મોત્સવ નિમિત્તે વડોદરામાં કાલથી સમકાલીન કલા પ્રદર્શન
રાજકોટનાં ચિત્રકાર મહેન્દ્ર પરમાર, વિરેશ દેસાઇ, સુરેશ રાવલ, જયેશ શુક્લ, ઉમેશ કયાડા, સજજાદ કપાસી, ધર્મેન્દ્ર સહાની લેશે ભાગ
ગુજરાતના કલાગુરુ તરીકે સમગ્ર રાષ્ટ્ર જેમને આદર પૂર્વક નમન કરે છે એવા ક્લાગુરુ રવિશંકર રાવળના 133મા જન્મોત્સવ નિમિતે આવતી 1 ઓગસ્ટના 2024ના રોજ કોન્ટેમ્પરરી આર્ટ ફાઉન્ડેશન દ્વારા વ્યવસ્થાપિત ગુજરાત આર્ટ સોસાયટી તેમજ સર્જન આર્ટ ગેલેરી, વડોદરાના સંયુક્ત ઉપક્રમે ગુજરાતના 75થી વધારે જેટલા સમકાલીન કલાકારો દ્વારા કલાગુરુની સ્મૃતિમાં એક ભવ્ય પ્રદર્શનનું આયોજન વડોદરાની સર્જન આર્ટ ગેલેરીમાં યોજાશે. જેનું ઉદ્ઘાટન વડોદરાના રાજમાતા શુભંગિનિરાજે ગાયકવાડ અને ફાઈન આર્ટ્સના પૂર્વ ડીન અને કલા ઇતિહાસવિદ પ્રો. ડો. દીપક કન્નલના કરકમલ દ્વારા કરવામાં આવશે. પ્રદર્શનના ઉદ્ઘાટન પૂર્વે ડો. દીપક કન્નલ દ્વારા સમકાલીન હોવું પર વ્યાખ્યાન રાખવામાં આવેલ છે. આ પ્રદર્શન તા. 2 થી 10 ઓગસ્ટ 2024 સુધી બપોરના 12 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી રવિવાર સિવાય કલાકાર, કલા રસિક તેમજ આમ જનતા માટે ખુલ્લું રહેશે.
આ પ્રદર્શનમાં રાજકોટના નામાંકિત ચિત્રકાર મહેન્દ્ર પરમાર, વિરેશ દેસાઇ, સુરેશ રાવલ, જયેશ શુક્લ, ઉમેશ કયાડા સજજાદ કપાસી ધર્મેન્દ્ર સહાની ભાગ લેશે.ેપ્રદર્શનને સફળ બનાવવા પૂર્વ તૈયારી રૂપે સોસાયટીના હોદ્દેદારો અધ્યક્ષ વૃંદાવન સોલંકી અમદાવાદ, પ્રમુખ ગગજી મોણપરા જામનગર, સેક્રેટરી ઉમેશ ક્યાડા રાજકોટ કાર્યરત છે. આ ઉપરાંત કારોબારીના સભ્યો ગાયત્રી મહેતા, મુંબઈ, મિલન દેસાઈ અને બંસી ખત્રી, અમદાવાદ અને કૈલાશ દેસાઈ, ધર્મજ પણ જહેમત ઉઠાવી રહ્યા છે. આ પ્રદર્શનનું સંચાલન વડોદરાના શિલ્પકાર તેમજ સંસ્થાના ખજાનચી અને સંવાહક કૃષ્ણ પડિયા, ફાઈન આર્ટ્સના અધ્યાપક અને ચિત્રકાર અરવિંદ સુથાર અને સર્જન આર્ટ ગેલેરીના રોશની રાણા દ્વારા થઈ રહ્યું છે.
1 ઓગસ્ટ 2021 ના રોજ સ્થપાયેલ કોન્ટેમ્પરરી આર્ટ ફાઉન્ડેશન દ્વારા વ્યવસ્થાપિત કલા ક્ષેત્રે કાર્યરત સંસ્થા ગુજરાત આર્ટ સોસાયટી દ્વારા તેમના બે વાર્ષિક સમકાલીન કલા પ્રદર્શન જે અમદાવાદ ખાતે યોજાયેલા હતાં તેમાં ખૂબ જ સફળતા મળેલ અને તેમાં આમંત્રિત કલાકાર બાબુભાઈ મિસ્ત્રી,ગુલાબ કાપડીયા,ગુલામ મોહમ્મદ શેખ, જયંતિ રાબડીયા,જયેશ શુક્લ, જયોતિ ભટ્ટ, જયોત્સના ભટ્ટ, કમલ રાણા, મહેન્દ્ર પંડ્યા, મહેશ પડીયા, નપના દલાલ, નિકીતા પરીખ,પ્રધ્યુમન દવે,રમેશ પંડ્યા, રતન પારીમુ,રોહીત ઝવેરી,શારદા પટેલ, શેફાલી નયન, રાબડીયા, વિનોદ શાહ,વિપ્તા કાપડીયા,વૃંદાવન સોલંકી તેમજ વરિષ્ઠ કલાકારો થી લઈને વૈશિષ્ટિકૃત કલાકારો તેમજ વિદ્યાર્થી કલાકારોનો પણ સમાવેશ કરવામાં આવેલ, જેઓએ પોતાની ઉત્તમ કલાકૃતિઓ રજુ કરી કલાચાહકોની સરાહના મેળવેલ.
કલાગુરુના જન્મોત્સવ નિમિતે 75થી વઘારે કલાકારો આ કલાયજ્ઞમાં પોતાની કલાકૃતિ આપી વડોદરાના આંગણે જયારે આ પવિત્ર દિવસે એક ઈતિહાસ રચાતો હશે ત્યારે આપ સૌની હાજરી અનિવાર્ય હોય અમારું દરેક કલાકાર, કલા રસિક તેમજ આમ જનતાને હાર્દિક આમંત્રણ છે.