બાળ સંરક્ષણ ગૃહમાં સગીર આરોપીનો આપઘાત
ઘર સળગાવવાના ગુનામાં જામીન નહીં મળતા વહેલી સવારે જાળીમાં નમાજના કપડાથી ફાંસો ખાઇ લીધો
શહેરના ગોંડલ રોડ પર આવેલા બાળ સંરક્ષણ ગૃહમાં સગીર આરોપીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ઘર સળગાવવાના ગુનામાં પકડાયેલા ભાવનગરના સગીર આરોપીએ જામીન નહીં મળતા કંટાળી વહેલી સવારે નમાજના કપડા વડે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધુ હતુ. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ ભાવનગરમાં અલકા સિનેમાં પાસે રહેતો અને હાલમાં ગોંડલ રોડ પર આવેલા બાળ સંરક્ષણ ગૃહમાં રહેલા પરવેજ એસાનઅલી નુરાની (ઉ.વ.17) નામના સગીરે આજે વહેલી સવારે ઝોનલ ઓબ્ઝર્વેશન હોમના રૂમમાં જાળી સાથે નમાજ પઢવાના કપડાબાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોત. સવારે 6 વાગ્યાના અરસામાં રૂમમાં રહેલા અન્ય આરોપીઓ જાગતા પરવેજ લટકતો હોય જેથી દેકારો થયો હતો. અને ઓબ્ઝર્વેશન હોમના સુપ્રિન્ટેન્ડેન્ટને જાણ કરી હતી 108ના સ્ટાફે મરણ ગયાનુ જાહેર કરી પોલીસને જાણ કરી હતી.
બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને એફએસએલ પંચનામુ કરી મૃતદેહને ફોરેન્સીક પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પ્રાથમિક તપાસમાં મૃતક પરવેજ બે ભાઇમાં મોટો હતો. તેના પિતા રીક્ષાચાલક છે. પોલીસે પરિવારને જાણ કરતા પરિવારજનો રાજકોટ દોડી આવ્યા હતા.વધુ તપાસમાં મૃતક ભાવનગરમાં ઘર સળગાવવાના ગુનાનો આરોપી હોય ગત તા.1/1/25થી રાજકોટ બાળ ઓબ્ઝર્વેશન હોમમાં હતો. જામીન મળતા ન હોવાથી કંટાળી આ પગલુ ભરી લીધાનું જાણવા મળ્યુ છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.