રાજકોટ જેલમાં બંધ નામચીન શખ્સની ગુજસીટોકમાં ધરપકડ કરતી જૂનાગઢ પોલીસ
રાજુ સોલંકીના સાગરીત જયેશ સોલંકીના મકાનમાંથી 116 જેટલા શંકાસ્પદ ચેક અને સાહિત્ય મળી આવ્યું
જૂનાગઢ પોલીસ દ્વારા ગત 3 ઓગસ્ટના રોજ અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ રાજુ સોલંકી સહિત પાંચ ઈસમો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જે પૈકીનો એક આરોપી જયેશ ઉર્ફે જવો સોલંકી અન્ય ગુનાના કામે રાજકોટ જેલમાં બંધ હોય જૂનાગઢ પોલીસે ગુજસીટોકના ગુનાના કામે તેની અટકાયત કરી હતી. જવા સોલંકીના ઘરની તલાશી લેતા પોલીસે 116 જેટલા શંકાસ્પદ ચેક, દસ્તાવેજ, પ્રોમિસરી નોટ મળી આવી હતી. આ ટોળકીનો કોઈ ભોગ બન્યું હોય તો તેઓને પોલીસ સમક્ષ આવવા અપીલ કરવામાં આવી છે.
જૂનાગઢ પોલીસ દ્વારા રાજુ સોલંકી સહિત પાંચ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં જયેશ ઉર્ફે જવો સોલંકી અન્ય ગુનામાં રાજકોટ જેલમાં બંધ હતો. જેનો જૂનાગઢ પોલીસ દ્વારા કબજો લેવામાં આવ્યો હતો અને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.ગુજસીટોકના ગુનાના આરોપી જયેશ સોલંકીના ઘરેથી જુનાગઢ પોલીસે 116 જેટલા શંકાસ્પદ અલગ અલગ સાહિત્ય કબ્જે કર્યા છે. જવા ઉર્ફે જયેશ સોલંકી અગાઉ પણ ઘણા ગુન્હામાં સંડોવાયેલો છે.ત્યારે ગુજશીટોકના ગુનામાં જેલમાં ધકેલ્યા બાદ ફરી તેની વધુ પૂછ પરછ કરવા ગુજશીટોકની સ્પેશિયલ કોર્ટ રાજકોટની મંજૂરી મેળવી જવા સોલંકીની અટક કરી કોર્ટ પાસેથી બે દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી.
આરોપી જવો સોલંકી હત્યાના પ્રયાસ ,આર્મસ એક્ટ, રાયોટીંગ મારામારી, પ્રોહીબિશન જેવા કુલ 9 ગુનામાં સંડોવાયેલો હતો. જેથી તેની વધુ પૂછપરછ કરતા અને તેના મકાનની તલાસી લેતા એ ડિવિઝન પોલીસે પ્રોમિસરી નોટ 16, વેચાણ દસ્તાવેજ 4, ઈમલા વેચાણ દસ્તાવેજ 8,વાહન વેંચાણ દસ્તાવેજ 6, કોરા ચેક 20, આરસી બુક 3, કોરા સ્ટેમ્પ પેપર 5, વેરા પહોંચો 4, બેંક પાસબુક 12, ચેક બુક 7, આધારકાર્ડ 1, બેંકમાં નાણા જમા કલીપો 27, રેશનકાર્ડ, પાનકાર્ડ ચૂંટણી કાર્ડ મળી કુલ 116 જેટલા શંકાસ્પદ દસ્તાવેજ મળ્યા હતા.
જવા સોલંકીના મકાનમાં મળી આવેલ શંકાસ્પદ સાહિત્યની પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.તેમજ આ ગુજસીટોકના આરોપીઓની ટોળકીનો ભોગ જુનાગઢ તેમજ આસપાસના વિસ્તારોના ઘણા નાગરિકો બન્યા હોવાનું પોલીસને જાણવા મળેલ છે. તેથી પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે આ ગુનેગારો વિરુદ્ધ કોઈ માહિતી ફરિયાદ હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા આ ગુનાના તપાસ કરતા અધિકારી ડી.વી કોડીયાતરનો સંપર્ક કરવો..