જુનાગઢ મહાપાલિકા અને 66 પાલિકાની 16 ફેબ્રુઆરીએ ચૂંટણી
તા.1 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રકો ભરી શકાશે, તા.4 ફેબ્રુ.એ પાછા ખેંચવાનો અંતિમ દિવસ
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કાર્યક્રમ જાહેર, આચાર સંહિતાનો અમલ પણ શરૂ, 18 ફેબ્રુઆરીએ પરિણામ
ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે (1) જૂનાગઢ મ્યુનિસિપલના 15 વોર્ડની 60 બેઠકો માટે સામાન્ય ચૂંટણી (2) 66 નગરપાલિકાના 461 વોર્ડની 1844 બેઠકો માટેની સામાન્ય અને 2 નગરપાલિકાના 18 વોર્ડની 72 બેઠકો માટેની મધ્ય સત્રી ચૂંટણી (3) કઠલાલ, કપડવંજ, ગાંધીનગર એમ 3 તાલુકા પંચાયતોની સામાન્ય તથા બોટાદ, વાંકાનેર એમ 2 નગર પાલિકાઓની મધ્યસત્ર ચૂંટણી ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પ્રસંગોપાત ખાલી પડેલી મહા નગર પાલિકાઓની 3 બેઠકો, નગર પાલિકાઓની 21 બેઠકો, જિલ્લા પંચાયતોની 9 બેઠકો તથા તાલુકા પંચાયતોની 91 બેઠકોની પેટા ચૂંટણીઓ યોજવાની જાહેરાત કરી છે.
પ્રથમવાર 27 ટકા અનામત બેઠકોની ફાળવણી કરાઈ છે. નગરપાલિકાઓની ચૂંટણી 2 વર્ષ અને જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી એકાદ વર્ષથી પેન્ડીંગ હતી. એવી જ રીતે ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયતોની ચૂંટણી અને 4796 ગ્રામ પંચાયતોની ચૂંટણી પણ 2 વર્ષથી પેન્ડીંગ છે અને ત્યાં વહીવટદારોનું શાસન છે. સ્થાનિક સ્વરાજ્યની આ સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ 19મી ફેબ્રુઆરીએ શરુ થઈને 28મી માર્ચ-2025ના રોજ પૂરા થતા વિધાનસભાના બજેટ સત્ર બાદ યોજાશે, એવી ગણતરી વચ્ચે રાજ્ય ચૂંટણી પંચે જિલ્લા તથા ગ્રામ પંચાયતોની ચૂંટણી બાકી રાખીને એકાએક-ઉતાવળે માત્ર જૂનાગઢ મહાનગરપાલિકા અને 66 નગરપાલિકાઓની ચૂંટણીની જાહેરાત કરી દેતા રાજકીય પક્ષોમાં સ્વાભાવિક રીતે જ આશ્ચર્યની લાગણી ફેલાઈ છે.
સ્થાનિક સ્વરાજ્યની આ સંસ્થાઓમાં ચૂંટણીના જાહેરાતની સાથે જ ફરી એકવાર રાજકીય ગરમી જોવા મળશે. એના કારણમાં એમ મનાય છે કે, એક બાજુ 19મી ફેબ્રુઆરીથી રાજ્ય વિધાનસભાનું બજેટ સત્ર શરુ થાય છે અને સરકાર તથા ધારાસભ્યો તેની તૈયારીઓમાં વ્યસ્ત થયા છે ત્યારે આ ચૂંટણીની જાહેરાતથી રાજકીય પક્ષો માટે મુશ્કેલ સ્થિતિનું નિર્માણ જરૂૂર થઈ શકે છે.
રાજ્ય ચૂંટણી કમિશનર એસ.મુરલી ક્રિશ્નને આ ચૂંટણીની જાહેરાત કરી હતી. તેની સાથે જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણી જાહેર કરાઈ છે ત્યાં ચૂંટણી આચારસંહિતાનો અમલ શરૂૂ થઈ ગયો છે. રાજ્ય ચૂંટણી પંચની જાહેરાત મુજબ આ તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પૈકી એકંદરે રાજ્યની 170 જેટલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના 696 વોર્ડની 2178 બેઠકો માટે કુલ 4390 મતદાન મથકો ઉપર આ સામાન્ય, મધ્ય સત્ર અને પેટાચૂંટણીઓ 16મી ફેબ્રુઆરી, 2025ના રવિવારે સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી યોજાશે. જેમાં, કુલ 19,84,730 પુરુષ અને 19,01,420 સ્ત્રી મતદારો મળીને કુલ 38,86,285 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
આ સામાન્ય, મધ્યસત્ર અને પેટાચૂંટણીઓ માટે તૈયાર કરાયેલી કુલ 4390 મતદાન મથકો પૈકી 1031 મતદાન મથકોને સંવેદનશીલ અને 244 મતદાન મથકોને અતિ-સંદેવનશીલ મતદાન મથકો તરીકે અલગ તારવવામાં આવ્યા છે. આ ચૂંટણી માટે કુલ 25,858 જેટલો ચૂંટણી સ્ટાફ અને 10,222 જેટલા પોલીસ સ્ટાફને ખડેપગે રખાશે.
18મી ફેબ્રુઆરી, 2025ના રોજ મત-ગણતરી હાથ ધરાશે અને 21મી, ફેબ્રુઆરીએ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સમાપ્ત થશે. રાજ્ય ચૂંટણી પંચે ખેડા અને બનાસકાંઠા એમ 2 જિલ્લા પંચાયતો ઉપરાંત 4796 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજવાની જાહેરાત કરી નથી. જ્યાં અત્યારે નવા સિમાંકન અને અનામત બેઠકોની પ્રક્રિયાનો સર્વે ચાલુ હોવાથી ત્યાં વિધાનસભાનું બજેટ સત્ર પૂરું થયા બાદ લગભગ એપ્રિલ કે મે માસ દરમ્યાન યોજાય એવી શક્યતા છે.

આદર્શ આચારસંહિતા
શાસક પક્ષ, અન્ય રાજકીય પક્ષો કે ઉમેદવારોએ, વહીવટી તંત્ર દ્વારા, કાયદો અને વ્યવસ્થાની જાળવણી અંગે આદર્શ આચાર સંહિતાનો અમલ કરવો પડશે.
તાકીદના તબીબી કારણો સિવાય પોતાના તાબાના આ ચૂંટણી સાથે સંકળાયેલા કર્મચારીઓ, અધિકારીઓની રજા મંજૂર નહીં કરાય તેમજ બદલી કરી શકાશે નહીં.
સરકારી સેવાઓ અને જાહેર સાહસોમાં નિમણૂક આપી શકાશે નહીં.
મતદારો પ્રભાવિત થાય તેવી કોઈપણ પ્રકારની જાહેરાત કરી શકાશે નહીં તેમજ વચનો આપી શકાશે નહીં.
કોઈપણ રૂૂપમાં કોઈપણ જાતની નાણાંકીય ગ્રાન્ટ અથવા તેના વચનોની જાહેરાત કરાશે નહીં.
વિવેકાધીન ફંડમાંથી ચૂકવણી મંજૂર કરી શકાશે નહીં.
જિલ્લા પંચાયતો - 8
વોર્ડ - 9
બેઠકો - 9
મથકો - 276
સંવેદનશીલ - 65
અતિ સંવેદનશીલ - 22
પુરુષ મતદારો - 1,17,275
સ્ત્રી મતદારો - 1,10,295
કુલ મતદારો - 2,27,576
કુલ સામાન્ય મધ્યસત્ર અને પેટા ચૂંટણીઓની ઝલક
સંસ્થાઓ- 170
વોર્ડ - 636
બેઠકો - 2178
મતદાન મથકો - 4390
સંવેદનશીલ મથકો - 1031
અતિ સંવેદનશીલ મથકો - 244
કુલ ચૂંટણી સ્ટાફ - 25,858
કુલ પોલીસ સ્ટાફ - 10,222
પુરુષ મતદારો - 19,84,730
સ્ત્રી મતદારો - 19,01,410
કુલ મતદારો - 38,86,285
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો કાર્યક્રમ
ચૂંટણીની જાહેરાત 21-1-2025
જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ 27-1-2025
ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 1-2-2025
ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ 3-2-2025
ઉમેદવારી પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ 4-2-2025
મતદાનની તારીખ 16-2-2025(રવિવાર)
સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન થશે
પુન: મતદાનની તારીખ (જરૂૂરી જણાય તો) 17-2-2025
મત ગણતરીની તારીખ 18-2-2025
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ 21-2-2025
