જૂનાગઢ જિલ્લાને લાલ લાઇટની ગાડી સદતી જ નથી!
- મુખ્યમંત્રીપદ, પ્રધાનપદ, સંસદીય પદ મળે તો છે પણ કારકિર્દીનો અકાળે અંત આવી જાય છે
માનો યા ન માનો, પણ લાલ લાઇટને સોરઠ સાથે બારમો ચંદ્રમાં લાગે છે.એટલે કે જે સંસદ સભ્ય ધારાસભ્ય કે સંસદીય સચીવ જુનાગઢ જીલ્લામાં વિજેતા બન્યા બાદ મંત્રી તો બને જ છે. પણ પછી તે ભાજપનો હોય કે કોંગ્રેસએ તમામ પછીની ટર્મની યોજાતી ચૂંટણીમાં હારે છે. ન માત્ર એટલું મોટાભાગની રાજકીય કારકીર્દીનો અકાળે અસ્ત થઇ જાય છે. જેમાંથી કોક જ ઉભુ થઇ શકે છે.1998માં પૂર્વ મુખ્યમંત્રી કેશુ બાપા વિસાવદરથી જીતી મુખ્યમંત્રી તો બન્યા પરંતુ પાંચ વરસ ટર્મ પુરી ન કરી શકયા. 1990 માં વિસાવદરથી જ વિજેતા બનેલ જનતા દળના કુરજી ભેસાણીયા સંસદીય સચિવ તો બન્યા પરંતુ 1995માં કેસુબાપાની સામે ચુંટણીમાં હારી ગયા.
1995માં તાલાલા બેઠક ઉપર જશાભાઇ બારડ મંત્રી બન્યા જેની પછીની 1998ની ચૂંટણીમાં હાર મળી. 2002માં દેવાણંદ સોલંકી પશુપાલન મંત્રી બન્યા પરંતુ પછીની ચુંટણીમાં હાર થઇ. 1995માં ચંદ્રીકાબહેન ચુડાસમા મંત્રી બન્યા અને 1998માં અને 2012માં ચુંટણીમાં હારી ગયા.2012માં કોડીનારના જેઠાભાઇ સોલંકી સંસદીય સચિવ તો બન્યા પરંતુ પછીની ચુંટણીમાં તેમને ટીકીટ ન મળી.
જૂનાગઢ સાંસદ તત્કાલીન ભાવનાબહેન ચીખલીયા કેન્દ્રના પ્રવાસન મંત્રી બન્યા પણ પછીની ચુંટણીમાં તેઓની હાર થઇ.
માળીયા મેંદડાના એલ.ટી. રાજાણી સંસદીય સચિવ બન્યા પરંતુ તે બેઠકનો વિલય થઇ જતા તેઓ પછીની ચુંટણી લડી ન શકયા. 2012ની ચુંટણીમાં રાજયના કૃષીમંત્રી કનુભાઇ ભાલાળા કેસુબાપા સામે ઉભા રહેલ અને હારી ગયા.2002ની ચુંટણીમાં માણાવદર બેઠક ઉપરથી રતિભાઇ સુરેજા સિંચાઇ મંત્રી બન્યા પણ પછીની ચુંટણીમાં પરાજય સહેવો પડેલ. હાલની વિધાનસભામાં જૂનાગઢના જવાહરભાઇ ચાવડા મંત્રી તો બન્યા પરંતુ ગુજરાતમાં નવા મુખ્યમંત્રી બદલાતાં હાલ મંત્રી પદે નથી. જો કે વિધાનસભાના સભ્ય અવશ્ય છે.આ બધી વાતો વહેમ સાથે જોડાયેલી છે. જે વૈજ્ઞાનિક રીતે પૃષ્ટી ન પણ થઇ શકે. આમ સોરઠ માટે લાલ લાઇટવાળી મોટર લાવી, ગુલાબી ગજરો લાવી ઉત્સાહથી ગવાય છે.પણ પછીની ચૂંટણીમાં કે સંજોગોમાં દિલ કે અરમા આંસુઓમે બહ ગયે જેવું થાય છે.