જૂનાગઢના દલિત પરિવાર પર જીવનું જોખમ; પોલીસ રક્ષણની માગણી કરી
ગોંડલના ગણેશ જાડેજાના હુમલા કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ સાથે કાવતરાની કલમ ઉમેરવા અરજી કરાઇ
જુનાગઢનાં દલિત યુવાન સંજય સોલંકીનું અપહરણ કરીને તેને ઢોર માર મારવા મામલે ગોંડલ ધારાસભ્યના પુત્ર અને આરોપી ગણેશ ગોંડલ સહિત અન્ય કેટલાક શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.
ત્યારે હવે આ કેસમાં સંજય સોલંકીએ પોલીસને વધુ એક અરજી આપી છે અને પોતાના પરિવારને જીવનું જોખમ હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ સાથે પૂર્વ એમએલએ જયરાજસિંહ સામે કલમ 120 હેઠળ કાર્યવાહી કરવા માગ પણ કરી છે.
જુનાગઢના દલિત યુવાન સંજય સોલંકીનું થોડા દિવસ પહેલા કેટલાક શખ્સો દ્વારા અપહરણ કરીને ઢોર માર મારવામાં આવ્યો હતો. આ મામલે, સંજય સોલંકીએ ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ ગોંડલ અને તેના કેટલાક મિત્રો વિરુદ્ધ આરોપ લગાવ્યો હતો. ત્યાર બાદ મામલો વધુ ગરમાતા પોલીસે ગણેશ ગોંડલની ધરપકડ કરી હતી. ત્યારે હવે આ મામલામાં સંજય સોલંકીએ પોલીસને વધુ એક અરજી આપી છે, જેમાં પૂર્વ ખકઅ જયરાજસિંહ પૈસા અને વગથી શક્તિશાળી હોવાથી સંજય સોલંકીના પરિવારને જીવનું જોખમ હોવાનો ઉલ્લેખ કર્યો છે.
આ સાથે અરજીમાં જયરાજસિંહ સામે કલમ 120 હેઠળ કાર્યવાહી કરવાની પણ માગ કરાઈ છે. અરજીમાં સિંકદર બાપુ અને તેના સાગરિતોએ લોકેશન આપ્યાની આશંકા પણ સંજય સોલંકીએ વ્યક્ત કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, નિલેશ રૈયાણી હત્યા કેસમાં રાજુ સોલંકી પર હત્યાનો આરોપ હોવાથી પિતા રાજુ સોલંકી સહિત પરિવાર પર જીવનું જોખમ હોવાની આશંકા સંજય સોલંકીએ અરજીમાં વ્યક્ત કરી છે. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.