રાજકોટમાં ધોળા દિવસે વૃદ્ધાના રૂા.1.37 લાખના ઘરેણાં ચોરાયા
ધર્મેન્દ્ર રોડ ઉપર મહિલા ગેંગે વૃદ્ધાને વાતોમાં વ્યસ્ત રાખી કામ પાર પાડયું, ત્રણ મહિલાઓ કળા કરી ગઈ
રાજકોટમાં મહિલાઓના દાગીના અને પાકીટ ચોરી કરતી ગેંગ ઉતરી પડી છે. તહેવારો પૂર્વે બજારોમાં ભીડનો લાભ લઈ દાગીના અને પાકીટ ચોરી કરતી આ ટોળકીએ એક 60 વર્ષના વૃધ્ધાએ નિશાન બનાવ્યા હતાં અને ધોળા દિવસે ધર્મેન્દ્ર રોડ પર ટ્રાફીકથી ધમધમતા વિસ્તારમાં આ વૃધ્ધાને વાતોમાં વ્યસ્ત રાખી તેમના રૂા.1.37 લાખના સોનાના દાગીના ચોરી લીધા હતાં. જે મામલે એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતાં પોલીસે સીસીટીવીના ફુટેજના આધારે આ મહિલા ચોર ગેંગને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ રાજકોટના કોઠારીયા મેઈન રોડ પર નિલકંઠ પાર્ક શેરી નં.4માં રહેતા સકીનાબેન મહેમુદભાઈ બેલીમ (ઉ.60) નામના વૃધ્ધા ધર્મેન્દ્ર રોડ પર ખરીદી કરવા માટે આવ્યા હતાં. ગઈકાલે બપોરે 11.30ના સુમારે તેઓ ધર્મેન્દ્ર રોડ પર બાલાજી સેન્ડવીચ પાસે આવેલ મનહર નામની દુકાને ખરીદી કરી રહ્યા હતાં ત્યારે બે મહિલાઓ તેમની પાસે આવી હતી અને ડ્રેસવાલા નામની દુકાન કયા આવેલ છે ? તેવું પુછતાં સકીનાબેને આગળ નજીક આવેલી ડ્રેસ વાલા કપડાની દુકાનનું સરનામું જણાવ્યું હતું તે દરમિયાન બે અજાણી મહિલામાંથી એક સ્ત્રી તેના હાથમાં રહેલ બોકસ સકીનાબેનને સાચવવા આપી થોડીવારમાં પરત લઈ લીધું હતું. તે દરમિયાન ત્રીજી એક મહિલા ત્યાં આવી હતી અને આ બન્ને મહિલાઓને સાથે વાતચીત કરી મને બહુ ભુખ લાગી છે તેમ કહી અંદરો અંદર વાતો કરતી હતી અને સકીનાબેનને સરનામુ પુછવાના બહાને વાતોમાં વ્યસ્ત રાખી ત્યારબાદ આ ત્રણેય મહિલા ત્યાંથી ચાલી ગઈ હતી. થોડીવાર બાદ સકીનાબેને તેમને પહેરેલ હાથના સોનાના પાટલા અને ડોકમાં પહેરેલ સોનાના પારાની માળા જોવા નહીં મળતાં આશરે રૂા.1.37 લાખની કિંમતના દાગીના ચોરી થયાનું માલુમ પડયું હતું. આ ત્રણેય મહિલાઓએ સકીનાબેનના દાગીના સેરવી લીધા હોય જે બાબતે એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
એ-ડીવીઝન પોલીસ મથકના પીઆઈ આર.જી.બારોટ તથા પીએસઆઈ એમ.વી.લુવા સહિતના સ્ટાફે બાલાજી સેન્ડવીચ પાસે બનેલી આ ઘટનામાં આસપાસના સીસીટીવી ફુટેજ તપાસી આ મહિલા ગેંગને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે. અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે તહેવારો નજીક આવતાં આ મહિલા ગેંગ રાજકોટમાં ઉતરી પડી છે. અન્ય કોઈને શિકાર બનાવે તે પહેલા જ આ મહિલા ગેંગને ઝડપી લેવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.