અરજી આધારે ઉઘરાણી કઢાવવા જતા જેતપુર પોલીસને હાઈકોર્ટનું તેડું
જેતપુરના વેપારી સામે રૂા.21 લાખની ઉઘરાણીની અરજીમાં અલગ-અલગ પોલીસ સ્ટેશનોએ ભારે રસ લઈ હેરાનગતિ કરતા હાઈકોર્ટે ઝાટકણી કાઢી
ચાંગોદર અને જેતપુરના પોલીસ ઈન્સ્પેક્ટર અને જેતપુર DYSPને રૂબરૂ હાજર રહેવા ફરમાન
ગુજરાત હાઈકોર્ટમાં ગઈકાલે એક કેસમાં પોલીસની આકરી ઝાટકણી કાઢવામાં આવી હતી. નાણાકીય વિવાદમાં અરજી લઈને ઉઘરાણી કરાવવા માટે લોકોને હેરાન કરતી પોલીસની ર્હાકોર્ટે આકરી ઝાટકણી કાઢી હતી. આ સાથે જણાવ્યું હતુ ંકે, પોલીસ રીકવરી એજન્ટ બની ગઈ છે કે શું? પોલીસે કરવાનું છે તે કરતી નથી અને જે ધારિયા અને બંદૂકો લઈને ખુલ્લેઆમ ફરે છે તેને પ્રિવેન્ટ કરતી નથી અને આવા કામ કરે છે.
આ અંગે જાણવા મળતી વિગતો પ્રમાણે જેતપુરમાં નિકુંજભાઈ જયસુખભાઈ પાદરિયા સાંકળી ખાતે શ્રીજી એગ્રો ઈમ્પેક્ટનામે ખેતપેદાશોનું ઈમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરે છે. નિકુંજભાઈના ભાગીદાર મુકેશ ધામીને 1-11-23ના રોજ બાવળા પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો કે તમારા વિરુદ્ધ નયનભાઈ ઠક્કરની અરજી મળી છે તમે બીલનું ચુકવણું કર્યુ નથી અને તમારા બધા સરનામા આપો. બીલમાં બધા સરનામા હોવા છતાં ફરીથી ફરીથી બે વખત ફોન આવ્યા આ વખતે વકીલ સાથે કોન્ફરન્સથી વાત કરાવતા તેમણે સમન્સ માંગ્યું જે બાદમાં 13-1-24ના રોજ વોટ્સએપથી મોકલવામાં આવ્યું.
જેની સામે નિકુંજ પાદરિયા દ્વારા લેખીત જવાબ આપીને જણાવાયું હતું કે, જેમાં અમિત ઠક્કર દ્વારા એક્સ્પોર્ટ કરવા માટે મોકલેલ કેટલીફીડ નબળી ગુણવત્તાની નિકળતા ઓર્ડર રદ થયો હતો. અને ભાડાખર્ચ પેટે થયેલ 21 લાખની રકમ અમિત ઠક્કર દ્વારા ભોગવવાની થાય છે. આ સાથે અમિત ઠક્કર સામે ફરિયાદ દાખલ કરવા જેતપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી.
પોલીસ દ્વારા એકતરફી કાર્યવાહી કરીને નિકુંજને સતત સમન્સ મોકલીને બોલાવવામાં આવીને પૈસા ચૂકવી આપવા દબાણ કરાતો હોવાનો ઉલ્લેખ હાઈકોર્ટમાં દાખલ થયેલ સ્પેશિયલ ક્રિમીનલ એપ્લિકેશનમાં કરવામાં આવ્યો છે.
હાઈકોર્ટમાં જજ સંદિપ એન. ભટ્ટદની કોર્ટમાં આ અરજીની સુનાવણી થતાં હાઈકોર્ટ સખત નારાજગી વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે અરજી પર ટકોર કરતા જણાવ્યું હતુ ંકે, પોલીસ રિકવરી એજન્ટની ભૂમિકામાં આવી ગઈ કે શું?
આ સાથે ટકોર કરી હતી કે, પોલીસે જે કરવાનું હોય તે કરતી નથી જે ધારિયા અને બંદૂક લઈને ખુલ્લેઆમ ફરે છે તેને પ્રિવેન્ટ કરતી નથી અને આવા કામ કરે છે આ રિકવરીને તે રીકવરી પોલીસે ક્યાં કરવાની છે.
આ કેસમાં હાઈકોર્ટ દ્વારા ચાંગોદર પી.આઈ., જેતપુર પી. આઈ અને જેતપુર ડીવાયએસપી સહિતના અધિકારીઓને રૂબરૂ હાજર રહેવા હુકમ કર્યો છે.
જેતપુર ડીવાયએસપીએ રૂબરૂ બોલાવી પૈસા આપી દેવા દબાણ કર્યું: અરજદાર
ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરાયેલ અરજીની અરજદારે જણાવ્યું છે કે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ અજી અંગે જેતપુર ડીવાયએસપીએ રૂબરૂ બોલાવ્યા હતા અને ધમકાવ્યા હતા કે નયન ઠક્કરના પૈસા ચૂકવી દો નહી તો તમારી સાથે કાયદાકીય કાર્યવાહી થશે જેથી અરજદારે તેના વકીલ મારફતે તા. 1-7-24ના રોજ લેખીતમાં ડીવાયએસપીને જવાબ મોકલી આપ્યો હતો.