જેસીબીના સ્પેરપાર્ટસની ચોરીનો ભેદ ઉકેલાયો, ભણવાની ઉંમરે બે કિશોર ચોરીના રવાડે ચડયા’તા
બન્ને સગીર બેગમાં સ્પેર પાર્ટસ ભરીને જતા’તા ને પકડાયા
શહેરમાં ગોંડલ રોડ પર આવેલા પ્રોગ્રેસીવ પ્રાઈવેટ લીમીટેડ નામના વાહનના વર્કશોપમાંથી ગઈ તા.18-8 થી 10-9 સુધીના સમયે વર્કશોપના પાછળના દરવાજા તોડી સ્ટોર રૂમમાં રાખેલા મોરબી મહાનગરપાલિકાના જેસીબીના સ્પેર પાર્ટસ રૂા.1.60 લાખની ચોરી કર્યાની માલવીયાનગર પોલીસ મથકમાં વર્કશોપમાં મેનેજરે ફરિયાદ નોંધાવી હતી. આ ગુનાનો ભેદ ઉકેલવા માલવીયાનગર પોલીસ મથકના સ્ટાફે વિસ્તારના તેમજ મુખ્ય માર્ગોના સીસીટીવી ફુટેજ ચકાસ્યા હતાં.
માલવીયાનગર પોલીસ મથકના સ્ટાફે સીસીટીવી ફુટેજના આધારે ચોરી કરનાર બે શખ્સોની ઓળખ મેળવી હતી. તેમજ સીસીટીવીમાં દેખાતાં બન્ને શખ્સો 12 થી 13 વર્ષના લાગતા હોવાનું જાણવા મળ્યું હતું.
તેવામાં બાતમીના આધારે પુનિતનગર પાણીના ટાંકા પાછળ આ બન્ને શખ્સો ઉભા હોવાનું જાણવા મળતા માલવીયાનગર પોલીસ મથકના પીએસઆઈ એસ.એ.સિંધી, ભાવેશભાઈ ગઢવી, દિનેશભાઈ બગડા, જયદીપસિંહ ભટ્ટી અને મયુરદાન બાટી સહિતના સ્ટાફે બન્ને શખ્સોને સકંજામાં લેતાં બન્નેની ઉંમર 12 થી 13 વર્ષની હોવાનું જણાવ્યું હતું અને પોતે સ્કૂલમાં અભ્યાસ કરતાં હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું. પોતે સ્કૂલે જવાને બદલે બન્ને વર્કશોપમાં ખાબકયા હતાં અને વર્કશોપમાં રહેલ જેસીબીના મોંઘા સ્પેર પાર્ટસ સ્કૂલ બેગમાં જ લઈ વેચી રોકડી કરે તે પહેલા જ પોલીસે બન્નેને ઝડપી લીધા હતાં.