For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જસદણના શિવરાજપુર ગામે ખેતીની જમીન પર કબજો કરી ઢોર વાડો બનાવી લીધો: લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

01:12 PM Feb 08, 2024 IST | Bhumika
જસદણના શિવરાજપુર ગામે ખેતીની જમીન પર કબજો કરી ઢોર વાડો બનાવી લીધો  લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

ત્રણ શખ્સો કિંમતી જમીન પર કબજો કરી વાવેતર કરવા લાગ્યા: માલિકને જમીનમાં પ્રવેશવા નહીં દઈ ધમકી આપી

Advertisement

રાજકોટ શહેર જિલ્લામાં બેફામ બનેલા ભુમાફીયાઓ સામે તંત્ર દ્વારા લેન્ડગ્રેબીંગનો કડક કાયદો બનાવવામાં આવ્યો છે ત્યારે હજુ બે દિવસ પહેલા રાવકી ગામે કિંમતી સરકારી જમીન પર દબાણ કરી ખેડૂતોનો રસ્તો બંધ કરી દેનાર મહિલા સહિત બે શખ્સો સામે લેન્ડગ્રેબીંગની ફરિયાદ નોંધાયા બાદ આજે જસદણ પંથકમાં ત્રણ શખ્સોએ ખેતીની જમીન પર કબજો કરી વાવેતર શરૂ કરી દીધાની અને ઢોર વાડો બનાવી નાખ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ત્રણ શખ્સો સામે લેન્ડગ્રેબીંગ એકટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, જસદણનાં વાજસુરપરા રોકડીયા હનુમાન મંદિર પાસે રહેતા ખેડૂત રમેશભાઈ લખમણભાઈ સોલંકી (ઉ.60) નામના કોળી વૃધ્ધે પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે શિવરાજપુર ગામના વિરજીભાઈ રવજીભાઈ મકવાણા, ગોવિંદભાઈ જગાભાઈ મકવાણા અને ચેતન ઉર્ફે દુદાભાઈ પુંજાભાઈ મકવાણાના નામ આપ્યા છે.

Advertisement

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીની માતાના નામે શિવરાજપુર ગામે સર્વે નં.310 પૈકી 2 માં 1-40-63 હેકટર જમીન આવેલ હોય જે જમીન 2001માં વેચાણ દસ્તાવેજથી ખરીદ કરેલ અને ત્યારથી આ જમીન માતાના નામે આવેલ છે.

ત્યારબાદ લોકડાઉન વખતે આરોપીઓએ જમીન પર કબજો કરી ગેરકાયદેસર વાવેતર શરૂ કરી દીધું હતું અને ત્યારબાદ ઢોર બાંધવા લાગ્યા હતાં. જે બાબતની ફરિયાદીને જાણ થતાં ફરિયાદી પોતાની માતાની જમીન પર આંટો મારવા ગયા ત્યારે આરોપીએ જમીનમાં પ્રવેશવા નહીં દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બાબતે મામલતદાર સમક્ષ રજુઆત કરતાં રોજકામ કરાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ તપાસના અંતે કલેકટર સમક્ષ લેન્ડગ્રેબીંગ એકટ હેઠળ અરજી કરવામાં આવી હતી જે અરજી અને પુરાવાને ધ્યાને લઈ જિલ્લા કલેકટરે ગુનો દાખલ કરવા હુકમ કરતાં જસદણ પોલીસે ત્રણેય ભુમાફીયા સામે લેન્ડગ્રેબીંગ એકટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની તપાસ ગોંડલ ડીવાયએસપી કે.જી.ઝાલા ચલાવી રહ્યાં છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement